Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

મોટી રકમની રોકડ હેરાફેરીમાં બેંકના સ્ટાફની સંડોવણી ખૂલી : આવકવેરાએ રિઝર્વ બેંક - ચૂંટણી પંચને વિગત આપી

અમદાવાદ તા. ૪ : આવકવેરા વિભાગને લોકસભા ચૂંટણીમાં રોકડની હેરફેરમાં ખાનગી બેંકની સંડોવણી માલૂમ પડી છે. આઈ.ટી.ની તપાસમાં ઈન્ડસઈન્ડ બેંકની પરિમલ ગાર્ડન ખાતેની બ્રાન્ચના મેનેજર, સ્ટાફ અને એક અખબારના માલિકની મિલીભગતનો પર્દાફાશ થયો છે અને આ મામલે રિઝર્વ બેંક તેમજ ચૂંટણી પંચને જાણ કરાઈ છે. પોલીસે તા.૨૮ માર્ચે ૪ વાગ્યા પહેલાં રૂ. ૧ કરોડની રોકડ સાથે હરિકેશ પટેલને અટકમાં લીધો હતો.

આ અંગે આઈ.ટી.ની ટીમ સ્થળ પર પહોંચતાં તે શખ્સે આ રોકડ માનવમિત્ર (દૈનિક)ના માલિક પ્રણવ અંબાલાલ પટેલની છે અને ઈન્ડસઈન્ડ બેંક,પરિમલ ગાર્ડનની બ્રાન્ચમાંથી આ રકમ ઉપાડી હોવાનો ખુલાસો કર્યો હતો. આ કિસ્સામાં આઈ.ટી.એ બે વાર તપાસ કરી હતી અને CCTV ફુટેજ તપાસતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસે શખ્સ પાસેથી રોકડ ૪ વાગ્યા પહેલાં પકડી હતી અને ઈન્ડસઈન્ડ બેંકમાંથી સાંજે ૫-૨૦ વાગ્યા પછી ચેક મારફતે રોકડ ઉપાડાઈ હતી અને રૂ. ૫૧.૬૫ લાખના ચેકમાં છેકછાક કરીને રકમ રૂ. ૧ કરોડ કરાઈ હતી. કોઈ કસ્ટમર પોતાના ચેકમાં સુધારો કરે અને ઇનિશિયલ- સહી કરે તો પણ બેંકવાળા ચલાવતા નથી ત્યારે ઈન્ડસઈન્ડ બેંકના સ્ટાફ અને મેનેજરે છેકછાક કરેલો ચેક કેમ ચલાવી લીધો ? આમ, બેંકના સ્ટાફ અને મેનેજરની ઉપર્યુકત પાર્ટી સાથે સંડોવણી જોવા મળી છે.

નિયમ મુજબ, આ બેંકના અધિકારીઓએ, રૂ. ૧ કરોડની રોકડ ઉપાડાઈ હોવા અંગે ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે એસ.ડી.આર. સુપરત કર્યો નથી. આ મુદ્દે આઈ. ટી. વિભાગે, રિઝર્વ બેંક અને ચૂંટણી પંચને જાણ કરી છે. બેંકમાંથી રૂ.૧ કરોડ ઉપાડયા તે પહેલાં પોલીસે પકડેલી રૂ. ૧ કરોડની રોકડ કોની હતી? આ વ્યવહારમાં એન્ટ્રી ઓપરેટર કોઇ ટ્રેડિંગ કંપની સહિત બે પાર્ટીની સંડોવણી માલૂમ પડી હોવાનું અમદાવાદના અખબારમાં પ્રસિધ્ધ થયું છે.

(3:10 pm IST)