Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

જુલાઇ મહિના સુધી વરસાદ ન પડે ત્યાં સુધી

નો શાવર... નો બાથટબ : મુંબઇ - અમદાવાદના ૨૦૦૦ જૈન યુવક - યુવતીઓની અનોખી પહેલ : લીધી પ્રતિજ્ઞા

અમદાવાદમાં જૈનાચાર્ય ઉદય વલ્લભસૂરિ મહારાજે શિબિરમાં નાહવામાં કેટલા પાણીનો વેડફાટ થાય છે એ સમજાવતા કહ્યું, 'જુલાઇ સુધી બાથ માટે એક બકેટથી વધુ પાણી નહીં વાપરે'

અમદાવાદ તા. ૪ : એક તરફ ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક પ્રાંતો પાણીની તીવ્ર અછતથી કણસી રહ્યા છે અને તેઓ પાસે પીવા માટે પૂરતું પાણી નથી ત્યારે આ જ રાજયોના અનેક વિસ્તારોમાં જાણ્યે-અજાણ્યે પાણીનો જબરદસ્ત વેડફાટ થઈ રહ્યો છે.

સરકારી સમાચારોમાં, જાહેર અપીલો દ્વારા, સોશ્યલ મીડિયા પરના કેટલાય મેસેજમાં પાણી બચાવવાની વાતો રજૂ થાય છે, પણ મોટા ભાગના લોકોને એ વાંચીને લાગે છે કે હું આમાં શું કરૃંં? તમે અમદાવાદ-મુંબઈના ૨૦૦૦ યંગસ્ટર્સે જે કર્યું એ કરી શકો. અમદાવાદમાં જૈનાચાર્ય ઉદય વલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબની 'પફર્િેકટંગ યુથ સેશન' શિબિરમાં ૨૦૦૦થી વધુ યુવક-યુવતીઓએ જુલાઈ મહિના સુધી શાવર કે બાથટબમાં ન નાહવાની અને સ્નાન માટે એક બાલદીથી વધુ પાણી ન વાપરવાની પ્રતિજ્ઞા લીધી છે.

યુવાનોમાં નૈતિક મૂલ્યો કેળવાય, તે સભ્ય વ્યકિત અને સારો નાગરિક બને એ માટે ઉદય વલ્લભસૂરિ મહારાજસાહેબ છેલ્લાં ૧૧ વર્ષથી દર મહિનાના એક રવિવારે અલગ-અલગ વિષય પર શિબિર કરે છે, જે અંતર્ગત ૨૮ એપ્રિલે ૧૦૪મા મણકાના 'આર્ટ ઓફ એપ્રિશિયેશન' વિષય પરના સેશનમાં યુવાચાર્યએ હાજર રહેલા યુવાવર્ગને રાષ્ટ્રની દુકાળની પરિસ્થિતિ અને લોકોની દારુણ હાલત સમજાવી અને સાથે અજાણતાં જ નાહવામાં કેટલા પાણીનો વેડફાટ થાય છે એ વિસ્તારથી સમજાવતાં યુવક-યુવતીઓએ આ પ્રતિજ્ઞા લીધી હતી.(૨૧.૬)

 

(11:57 am IST)