Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

વડોદરા કોર્પોરેશન દ્વારા બનાવાયેલા આવાસ યોજનામાં ગેરરીતિઃ ૭ વર્ષ પહેલા બનાવાયેલ મકાન જર્જરીત

વડોદરા: વડોદરા કોર્પોરેશને બનાવેલા આવાસ યોજનામાં ફરી એકવાર ભ્રષ્ટ્રાચાર સામે આવ્યો છે. કિશનવાડીમાં બનાવેલા નૂર્મના મકાનમાં સ્લેબનો ભાગ ધરાશાયી થતા મકાનમાં રહેતા લોકોનો આબાદ બચાવ થયો છે. માત્ર 7 વર્ષ પહેલા બનાવેલા મકાનો જર્જરીત થતા લોકોએ ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ કર્યો છે.

વડોદરા કોર્પોરેશને બીએસયુપી અંતર્ગત નૂર્મ આવાસ યોજનાના 3196 મકાનો બનાવામાં આવ્યા હતા. કોર્પોરેશને વર્ષ 2011માં લોકોને મકાન આપ્યા પરંતુ માત્ર 7 વર્ષમાં જ મકાનના સ્લેબના ભાગ તુટતા ભ્રષ્ટ્રાચાર છતો થયો છે. કિશનવાડીના નૂર્મ આવાસમાં બ્લોક નંબર 33ના 15 નંબરના સંજય શાહના મકાનમાં એકાએક સ્લેબનો ભાગ ધરાશાયી થઈ ગયો.

મકાનનો સ્લેબ તુટતા સમયે સદનસીબે ઘરમાં કોઈ ન હોવાથી જાનહાનીની કોઈ ઘટના ન બની. મકાનનો સ્લેબનો ભાગ ધરાશાયી થયા બાદ સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક કાર્યકરો દોડી આવ્યા સાથે જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. મકાન માલિકે જીવના જોખમે રહીએ છે. તેમ કહી બીજા મકાનો આપવા માંગ કરી હતી. તો કોંગ્રેસ કોર્પોરેટર અનિલ પરમારે વિજિલન્સ તપાસ સહિત પોલીસ ફરિયાદ કરવાની માગ કરી છે.

કિશનવાડીના મકાનો પ્રિયંકા કંન્સ્ટ્રકશન અને એમ વી ઓમની કોન્ટ્રાકટરે બનાવ્યા છે. કોર્પેોરેશનના નૂર્મ વિભાગના કાર્યપાલક ઈજનેર ટીમ સાથે સ્થળ પર મુલાકાત લેવા દોડી આવ્યા. કાર્યપાલક ઈજનેરે હલકી ગુણવત્તા વાળા મકાનમાં લોકોને હાલમાં નહી ખસેડાય તેવી વાત કરી. તેમજ મકાનની સ્ટેબિલીટી ચકાસી કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરીશું તેમ કહીશું.

મહત્વની વાત છે કે, માત્ર 7 વર્ષમાં બનાવેલા સરકારી આવાસોના સ્લેબના ભાગ ધરાશાયી થતા મોટા ભ્રષ્ટ્રાચારની ગંધ આવી રહી છે. કોર્પોરેશન તંત્ર જર્જિરત મકાનમાંથી લોકોને ખસેડવાની કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું ત્યારે શું માધવનગરની જેમ મકાન ધરાશાયી થઈ લોકોના મૃત્યુ થાય તેની કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ રાહ જોઈ રહ્યા છે તે સવાલ ઉઠી રહ્યો છે.

(4:51 pm IST)