Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

ફી નિયમન અંગે ચર્ચા માટે વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષામાં મિટીંગ યોજાઇઃ ફી મુદ્દે બાંધછોડ ન કરવા શાળા સંચાલકોનો ખુલાસો

અમદાવાદઃ ફી નિયમન કાયદા મુદ્દે આજે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાની અધ્‍યક્ષતામાં આજે શાળા સંચાલકોની બેઠક મળી હતી. જેમાં ફી મુદ્દે બાંધછોડ ન કરવા શાળા સંચાલકોએ ખુલાસો કર્યો હતો.

ગુજરાત સરકાર અને પ્રાઇવેટ સ્કૂલ મેનેજમેન્ટને સંયુક્ત રીતે આ અંગે ઉકેલ શોધવા સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું હતું. વધુમાં સુપ્રીમ કોર્ટે પ્રાઇવેટ સ્કૂલ્સને આદેશ આપતા કહ્યું હતું કે સોસાયટી કે ટ્રસ્ટ અથવા એજ્યુકેશનલ એક્ટિવિટીના ડેવલપમેન્ટ માટે જ પ્રોફિટનો ઉપયોગ કરવામાં આવે.

ગુરુવારે મળેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ હાજર રહ્યા હતા. સરકારે સ્કૂલ મેનેજમેન્ટને એક ફોર્મ્યુલા રજૂ કરવા જણાવ્યું ત્યારે સામેથી સ્કૂલ મેનેજમેન્ટે પણ સરકાર પાસે આ જ માગણી કરી હતી. બાદમાં નક્કી કરવામા આવ્યું કે આગામી 10 દિવસમાં બીજી એક મિટિંગ મળશે અને ફી અંગેના ફોર્મ્યુલા નક્કી કરવામા આવશે. બેઠક 2 કલાક જેવી ચાલી હતી.

અધિકારીઓએ કહ્યું કે સ્કૂલ મેનેજમેન્ટ આ મુદ્દે કૉમ્પ્રમાઇઝ કરવા માટે તૈયાર નથી. બેઠક દરમિયાન સરકારે સ્કૂલ મેનેજમેન્ટને કહ્યું કે જે વિદ્યાર્થીઓ ફી ભરવામા નિષ્ફળ જાય તેમને લિવિંગ સર્ટિફિકેટ ન આપવું. જો કે સ્કૂલ મેનેજમેન્ટે કહ્યું કે જે સ્કૂલ અમાઉન્ટ ડિપોઝિટ નહોતી કરતી તે શાળાઓને સરકાર પણ હોલ ટિકિટ નહોતી આપતી.

સરકાર સમક્ષ સ્કૂલ મેનેજમેન્ટે રિક્વેસ્ટ કરી છે કે પેરેન્ટ્સને જાણ કરવામા આવે કે સરકારે નક્કી કરેલી ફી ભરવા બાબતે જીદ લઇને ન બેસી રહે અને સ્કૂલ મેનેજમેન્ટે નક્કી કરેલી ફી ભરે. મેનેજમેન્ટે સરકારને એમ પણ કહ્યું કે ભેગી કરેલી ફી કરતાં ફિક્સ ફી ઓછી હશે તો તેઓ રિફન્ડ પણ કરી દેશે. વધુમા કહ્યું કે એજ્યુકેશનની ક્વોલિટી ખરાબ ન થઇ જાય તે જોવાની જવાબદારી સરકારની છે.

(5:58 pm IST)