Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

જીવદયા અને ગૌસેવા માટે સરકાર પૂર્ણ પ્રતિબધ્ધ : નીતિનભાઇ પટેલ

મહેસાણ પાંજરાપોળમાં નવા શેડ અને ગેઇટનું ઉદ્દઘાટન

રાજકોટ તા. ૪ : મહેસાણામાં રાધનપુર રોડ, ગરનાળા પાસે આવેલ ૧૮૭ વર્ષ જુના પાંજરાપોળ ખાતે નવનિર્મતિ શેડ અને પ્રવેશદ્વારનું ઉદ્દઘાટન તેમજ તકતી અનાવરણનો કાર્યક્રમ આચાર્ય ભગવંત વિજય પ્રેમસુરીશ્વરજીના આશીર્વાદ અને આચાર્ય શ્રીકુલચંદ્ર સુરીશ્વરજી (કે.સી.) મહારાજ, પૂ. મુનિશ્રી કુલદર્શન વિજયજી મહારાજ, પૂ. મુનિશ્રી કુલરક્ષિત વિજય મહારાજ, પૂ. સાધ્વીજી મહારાજ તથા અન્ય ગુરૂભગવંતોની નિશ્રામાં યોજાયો હતો.

સમારોહમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે મહેસાણા પાંજરાપોળની સમગ્ર ટીમને જીવ સેવા બદલ અભિનંદન પાઠવી જણાવેલ કે જીવદયા અને ગૌસેવા માટે ગુજરાત સરકાર પૂર્ણરીતે પ્રતિબધ્ધ હોવાનું જણાવેલ. સમગ્ર દેશમાં કડક ગૌહત્યા વિરોધી કાયદો લાવી ગુજરાતમાં રાજય વ્યાપી કરૂણા અભિયાન શરૂ કરાયુ છે. આગામી દિવસોમાં દરેક જિલ્લામાં નિઃશુલ્ક કરૂણા એમ્બ્યુલન્સ પણ શરૂ કરવામાં આવનાર છે.

સમસ્ત મહાજન પાંજરાપોળના મેનેજીંગ ટ્રસ્ટી અને એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સદસ્ય ગિરીશભાઇ શાહે મહેસાણા પાંજરાપોળને લાખો રૂપિયાની માતબર રકમ ફાળવવામાં નિમિત બનવા બદલ પ્રસન્નતા વ્યકત કરી ગુજરાત સરકારને તેમજ નીતિનભાઇ પટેલને ગુજરાતની દરેક ગૌશાળા, પાંજરાપોળોને પશુ દીઠ રકમ ફાળવી આપવા વિનંતી કરી હતી.

આ પ્રસંગે ચંદુલાલ વોરા (મુંબઇ), કીર્તીભાઇ રમણલાલ શાહ (પ્રમુખ સિમંધર સ્વામી જિન મંદિર પેઢી મહેસાણા, પ્રકાશભાઇ કે. જાની (એડીશ્નલ એડવોકેટ ગુજરાત), જી. કે. પટેલ (ચેરમેન (જીઆઇડીસી. ફેઝ-ર, દેદિયાસણ) સહીતના શ્રેષ્ઠીઓની શુભકામના સાનિધ્ય સાંપડયુ હતુ. સમગ્ર આયોજન અંગે મહેસાણા પાંજરાપોળ સંસ્થા સંપર્ક ઇન્દ્રવદન કે. શાહ, મેનેજીંગ ટ્રસ્ટી, વિમળભાઇ આર. શાહ, જીતેન્દ્રભાઇ કે. શાહ, પ્રકાશભાઇ કે. શાહ સહીતના સેવકગણે જહેમત ઉઠાવી હતી. (૧૬.૧)

(11:51 am IST)