Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2024

સોમ થી બુધ ગરમીનો રાઉન્ડ : અશોકભાઇ પટેલ

આજે-કાલે ૩૬ થી ૩૯, તા. ૬-૭, ૩૮ થી ૪૦ અને તા. ૮ થી ૧૦માં તાપમાન ૪૦ થી ૪ર ડીગ્રીની રેન્જમાં પહોંચી જશે : હાલ પ્રવર્તતા તાપમાનમાં જુદા-જુદા સેન્ટરોમાં ૪ થી ૬ ડીગ્રીનો વધારો થશે : તા. ૪ એપ્રિલથી તા. ૧૧ એપ્રિલ સુધીની આગાહી

રાજકોટ તા. ૪ :.. હાલ પ્રવર્તતા તાપમાનમાં ફરી ક્રમશઃ ગરમીમાં વધારો થતો જશે. તા. ૮ થી ૧૦ એપ્રિલ એટલે કે સોમથી બુધ દરમ્યાન દિવસનું તાપમાન ૪૦ થી ૪ર ડીગ્રીની રેન્જમાં પહોંચી જશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે હાલમાં સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છના વધુ ભાગોમાં ગરમી નોર્મલ અથવા તો નોર્મલથી એક બે ડીગ્રી નીચુ તાપમાન રહે છે જેમ કે ગઇકાલે વિવિધ સેન્ટરોમાં મહત્તમ તાપમાન અમદાવાદ ૩૮, રાજકોટ-૩૮.૭, આ બન્ને નોર્મલ હતાં. અમરેલી ૩૮.૪, વડોદરા ૩૭.૪ આ બન્ને નોર્મલથી એક ડીગ્રી નીચા હતાં. ડીસા ૩૬.ર, ભુજ ૩૬.પ આ બન્ને નોર્મલથી બે ડીગ્રી નીચા હતાં. હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન ૩૮ થી ૩૯ ડીગ્રી ગણાય.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા. ૪ થી ૧૧ એપ્રિલ સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમયગાળામાં પવન મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમના રહેશે. તા. ૮ અને ૯ એપ્રિલના વિસ્તાર મુજબ પવન ફરતા રહેશે. ઓવરઓલ આગાહી સમયમાં પવનની ઝડપ રૃટીન ૧૦ થી ૧પ કિ. મી. રહેશે. અને તા. પ થી ૭ એપ્રિલ દરમ્યાન સાંજે ઝાટકાના પવન ર૦ થી રપ કિ. મી.ના ફુંકાશે.

તા. ૪ અને પ (ગુરૃ, શુક્ર), એપ્રિલના સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છમાં મહત્તમ તાપમાન નોર્મલ નજીક કે નોર્મલથી નીચુ રહેવાની શકયતા છે. જેની રેન્જ ૩૬ થી ૩૯ વચ્ચે રહેશે.

તા. ૬-૭ એપ્રિલના તાપમાનમાં થોડો વધારો થશે જેની રેન્જ ૩૮ થી ૪૦ ડીગ્રી વચ્ચે રહેશે.

તા. ૮ થી ૧૦ એપ્રિલ ગરમીમાં વધારો થશે. તાપમાનની રેન્જ ૪૦ થી ૪ર ડીગ્રી વચ્ચે જોવા મળશે.

એકંદર હાલ પ્રર્વતતા મહત્તમ તાપમાન કરતા આગાહી સમયમાં અલગ અલગ સેન્ટરોમાં ૪ થી ૬ ડીગ્રીનો વધારો થવા સંભવ છે.

તા. ૧૧ એપ્રિલના ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે.

(5:02 pm IST)