Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

પાટીદાર ફેકટર : ભાજપે ૬, કોંગીએ ૮ પાટીદારો ઉતાર્યા

પાટીદારોને લઇને ભાજપ કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા : ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પાટીદાર ફેકટર મહત્વનું સાબિત થશે : કોંગ્રેસ પાર્ટીએ પાટીદારો પર દાવ ખેલ્યો

અમદાવાદ,તા. ૪ : ૨૦૧૯ની આ વખતની ગુજરાત લોકસભાની ચૂંટણીમાં પાટીદાર ફેકટર બહુ મહત્વનું સાબિત થવાનું છે. ખાસ કરીને ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન બાદ અમદાવાદ સહિત ગુજરાતમાં પાટાદીરો પર અત્યાચાર અને જુલમને લઇ પાટીદાર સમાજમાં ભાજપ પરત્વે આંતરિક નારાજગી છે ત્યારે કોંગ્રેસ પાટીદાર ફેકટરનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માંગે છે અને તેના કારણે જ આ ચૂંટણીમાં ભાજપે જયાં છ પાટીદાર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, તેની સામે કોંગ્રેસે વિવિધ બેઠકો પરથી કુલ આઠ પાટીદાર ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારી પાટીદારો પર દાવ ખેલ્યો છે. ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઉમેદવારોએ જાહેર કરી દીધા છે ત્યારે રાજ્યમાં સૌથી મોટો મતદાર વર્ગ એવા પાટીદાર સમાજને ટિકિટ આપવા માટે બંને પક્ષોએ લાંબી કશ્મકશ કરી હતી. અંતે આ ચૂંટણીમાં ભાજપે ૬ અને કોંગ્રેસે ૮ પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તમામ ૨૬ બેઠક પર કબ્જો કરનાર ભાજપે તે સમયે ૫ પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જ્યારે કોંગ્રેસે માત્ર ૪ ઉમેદવારોને ટિકિટ આપી હતી. ગુજરાતમાંથી ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ તેમના અનુગામી તરીકે આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીને શાસન સોંપીને ગયા હતા. ગુજરાતમાં પીએમ મોદીની ગેરહાજરીમાં ૨૦૧૫ બાદ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી માંડીને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૨૩ વર્ષ બાદ સૌથી ઓછા ધારાસભ્યો સાથે પાતળી બહુમતીથી સરકાર બનાવવી પડી હતી. ૨૦૧૫ બાદ યોજાયેલી વિવિધ ચૂંટણીઓમાં ભાજપને સૌથી મોટો ફટકો પાટીદાર મતદારોનો પડ્યો હતો,. કેમકે આ સમયગાળા દરમિયાન પાટીદાર અનામત આંદોલનના કારણે ગુજરાતમાં ભાજપને બદનામી મળી હતી અને ખાસ કરીને પાટીદારો પર અત્યાચારને લઇ પાટીદારોએ ભાજપ વિરોધી મતદાન કર્યું હતું. જો કે, તેમછતાં લોકસભાની આ ચૂંટણીમાં ભાજપે પાટીદાર મતદારો પર વધુ ધ્યાન ન આપ્યું હોવાનું ઉમેદવારોની પસંદગીથી જણાઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસે વધુ પાટીદારોને ટિકિટ આપી છે. પાટીદારોના યુવા નેતા હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાં સામેલ થયો છે.

પાટીદારોને ટિકિટ......

અમદાવાદ, તા. ૪ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનો તખ્તો તૈયાર થઇ ગયો છે ત્યારે પાટીદારોને ભાજપ-કોંગ્રેસે આપેલી ટિકિટ નીચે મુજબ છે.

કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર

બેઠક....................................................... ઉમેદવાર

પોરબંદર......................................... લલિત વસોયા

રાજકોટ.......................................... લલિત કગથરા

વડોદરા.............................................. પ્રશાંત પટેલ

અમરેલી........................................... પરેશ ધાનાણી

મહેસાણા............................................... એ.જે.પટેલ

અમદાવાદ ઈસ્ટ................................... ગીતા પટેલ

સુરત............................................ અશોક અધેવાડા

ભાવનગર.......................................... મનહર પટેલ

ભાજપના પાટીદાર ઉમેદવાર

બેઠક....................................................... ઉમેદવાર

પોરબંદર.............................................. રમેશ ધડુક

આણંદ................................................ મિતેષ પટેલ

મહેસાણા............................................ શારદા પટેલ

રાજકોટ.......................................... મોહન કુંડારિયા

અમરેલી........................................ નારણ કાછડિયા

અમદાવાદ પૂર્વ................................. હસમુખ પટેલ

 

 

(10:59 pm IST)