Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

ભાજપની પ્રચાર સામગ્રીમાં હેરપિન અને સાડી સામેલ છે

મહિલા મતદારોને આકર્ષવા ૫૧ ચીજવસ્તુઓ : મોદીના માસ્ક તેમજ કમળના નિશાન હોટફેવરીટ પ્રચાર સામગ્રી : મેં ભી ચોકીદાર લખેલા પેન્ડન્ટ વિશેષ આકર્ષણ

અમદાવાદ,તા. ૪ : લોકસભા ચૂંટણી ર૦૧૯ માટે આજે તમામ ઉમેદવાર જાહેર કરી દેવાયા બાદ ગુજરાતની ર૬ સીટ પર ભાજપે હવે આક્રમક રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપે આ વખતે લોકસભા પ્રચાર માટે પ૧ ચીજોને ચૂંટણી પ્રચાર સામગ્રી-સાહિત્યમાં સામેલ કરી છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માસ્ક તો છે જ, પરંતુ ભાજપના પ્રચાર સાહિત્યની કિટમાં મહિલાઓ માટે મોતીના હાર, પર્સ, ચશ્માં જેવી વસ્તુઓ પણ ઉમેરાઈ છે. ખાસ કરીને મહિલા મતદારોને આકર્ષવા માટે ભાજપે હેરપિનથી લઇ સાડી સુધીની પ્રચાર સામગ્રી તેના પ્રચારઝુંબેશમાં સામેલ કરી છે. આ ઉપરાંત ચહેરા માટે માસ્ક, પુરુષો અને મહિલાઓ માટે સ્કાર્ફ, ઝંડા, કાર્યાલય બેનર, ગાંધી ટોપી, કાગળનાં તોરણ, ટીશર્ટ, કેપ પણ રાખવામાં આવ્યાં છે. ગરમીના દિવસોમાં ઈલેક્શન હોવાના કારણે ભાજપે પ્રચાર સાહિત્યમાં કાગળના પંખાને પણ સામેલ કર્યા છે. આ ઉપરાંત ગોગલ્સ, ફ્લોરોસન્ટ સ્ટિકર્સ, હેન્ડ બેન્ડ, કીચેન, પેન્ડન્ટ, મૈં ભી ચૌકીદાર લખેલાં પેન્ડન્ટ, મહિલાઓ માટે હેર બ્રોચ, સાડી બ્રોચ, હેર પિન, હેર રિંગ, બક્કલ, મોતીની માળા, પાઉચ, પર્સ, લેડીઝ મોબાઈલ કવર, કમળની પ્રિન્ટવાળી સાડીઓ, કમળની ડિઝાઈનવાળા દુપટ્ટા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં જેકેટ હોટ ફેવરિટ થયા પછી તેમનાં મોદી માસ્ક પણ એટલાં જ લોકપ્રિય છે. હવે મોદી માસ્કની સાથે અમિત શાહનાં માસ્ક અને મોદી તેમજ અમિત શાહના ચહેરાની પ્રિન્ટવાળાં ટીશર્ટ વગેરે પણ તૈયાર કરાયાં છે. આ ચીજવસ્તુઓ યુવા મતદારો, આધુનિક ફેશનને સુસંગત હોય તે રીતે સામગ્રી તૈયાર કરાઈ છે. કમળના નિશાનવાળું બલૂન પ્રચાર સાહિત્યની લોકપ્રિય સામગ્રી છે. આ ઉપરાંત યુવાઓને આકર્ષતાં મોબાઈલ કવર, લાકડાના કમળનાં કટઆઉટ પણ ભાજપની પ્રચાર સામગ્રીમાં સામેલ થયેલાં જોવા મળશે.

પ્રદેશ ભાજપ સિનિયર નેતા આઈ. કે. જાડેજાના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં પ૦,૦૦૦ બૂથ હોવાના કારણે આ તમામ સામગ્રીની કિટ બનાવવામાં આવી છે, તેની સંખ્યા પ૦ હજાર હશે. ચૂંટણી પ્રચાર દરમ્યાન આ પ્રચાર સામગ્રીનો મહત્તમ ઉપયોગ કરવા સ્થાનિક આગેવાનો અને કાર્યકરોને સૂચના આપી દેવાઇ છે.

(8:33 pm IST)