Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

ધોળકાના સરગવાળા ગામમાં એલપીજીના સિલિન્ડરો ફાટતા પ્રચંડ ધડાકો :ભીષણ આગ ભભૂકી :ઘર બળીને ખાખ :બે ઘાયલ

ઘરમાં રહેલા 11 જેટલા ગેસના બાટલાઓ એક પછી એક ધડાકાભેર ફાટ્યા

ધોળકાના સરગવાળા ગામમાં રહેતા હરિભાઈ રામજીભાઈ મકવાણાના ઘરમાં આગ લાગી હતી. આગમાં ઘરમાં રહેલો તમામ સમાન બળીને ખાક થઇ ગયો છે. આ ઉપરાંત ઘરમાં રહેલા ગેસના બાટલાઓ ફાટવાના કારણે ગામ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ગામના લોકોમાં એવી પણ ચર્ચા થઇ રહી હતી કે, જેમ બોમ્બ બ્લાસ્ટ થાય તે રીતે ઘરમાં રહેલા 11 જેટલા ગેસના બાટલાઓ એક પછી એક ધડાકાભેર ફાટ્યા હતા. ગામલોકોએ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર કાફલાએ ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના માટે પાણીનો મારો ચલાવ્યો હતો.

  ઘટનાના પગલે લોકોની સુરક્ષાને લઇને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોને ઘટના સ્થળેથી દૂર ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. વિકરાળ આગના કારણે ઘરનો તમામ સમાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો અને ઘટનામાં બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભારે જાહેમદ બાદ ફાયર ફાઈટરોને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગ કયા કારણોસર લાગી હતી તે જાણવા મળ્યું નથી. પરંતુ આગ કાબુમાં આવતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(12:03 pm IST)