Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમી : તાપમાન ૪૩

રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૩.૩ થયું : વધતી જતી ગરમીના પરિણામે લોકો ત્રાહિમામ : બપોરના ગાળામાં રસ્તા સુમસામ થયા : અમદાવાદમાં પારો ૪૧.૬

અમદાવાદ, તા.૩ : અમદાવાદ સહિત રાજ્યભરમાં તીવ્ર ગરમીનું મોજુ ફરી વળ્યું છે. વધતી જતી ગરમીના કારણે હવે જનજીવન પણ ખોરવાઈ ગયું છે. આજે ઉત્તર ગુજરાત ખાસ કરીને બનાસકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર અને કચ્છમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. રાજ્યભરમાં ગરમીના પ્રમાણમાં વધારો થતાં બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ દેખાયા હતા. પારો હજુ પણ વધવાની સંભાવના છે. અમદાવાદમાં લોકો ગરમીના કારણે બહાર નિકળ્યા ન હતા. બીજી બાજુ રાજકોટમાં પારો ૪૩થી પણ ઉપર પહોંચી ગયો છે. કાળઝાળ ગરમીથી હાલ કોઇ રાહત મળે તેવી શક્યતા નહીવત છે. વધુમાં ગરમીનું પ્રમાણ વધશે. હિટવેવની ચેતવણી પણ અકબંધ રાખવામાં આવી છે. આગામી બે દિવસ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં સુધારો થશે નહીં. રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં લોકોની હાલત કફોડી બની છે. અમદાવાદમાં આજે પારો ૪૧.૬ રહ્યો હતો. આજે જે ભાગોમાં પારો ૪૨ ઉપર પહોંચ્યો હતો તેમાં ડિસામાં ૪૨.૨, અમરેલીમાં ૪૨.૪, સુરેન્દ્રનગરમાં ૪૨.૮, ભુજમાં ૪૨.૫નો સમાવેશ થાય છે.  બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે. આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો. ફરીએકવાર હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં હિટવેવનું મોજુ ફરી વળે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. મહત્તમ તાપાનમાં સતત વધારો થતાં લોકો પરેશાન થયેલા છે. સાથે સાથે બાળકો અને મોટી વયના લોકો બિમારીના સકંજામાં આવી ગયા છે. ખાસ કરીને પેટમાં દુખાવાની ફરિયાદ વધારે થઇ છે. લોકો ગરમીથી ભારે પરેશાન થયેલા છે. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૪૨ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. હજુ તાપમાનમાં તીવ્ર વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પારો વધ્યો છે. કેટલીક જગ્યાએ ૪૨થી પણ ઉપર પારો પહોંચી ગયો હતો. કાળઝાળ ગરમીનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો અને રસ્તાઓ સુમસામ બન્યા હતા. કાતિલ ગરમીથી લોકો હવે પરેશાન થવા લાગ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તર ગુજરાત ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠાના જુદા જુદા ભાગોમાં સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અનેક વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ કાતિલ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદ માટેની આગાહીમાં પણ ચિંતાજનક બાબત દર્શાવવામાં આવી છે.  વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે.

મહત્તમ તાપમાન.......

અમદાવાદ, તા. ૩ : અમદાવાદ સહિત રાજ્યમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું રહ્યું તે નીચે મુજબ છે.

શહેર........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૪૧.૬

ડિસા............................................................ ૪૨.૨

ગાંધીનગર................................................... ૪૧.૫

વડોદરા....................................................... ૪૧.૬

સુરત.............................................................. ૩૫

અમરેલી...................................................... ૪૨.૪

ભાવનગર.................................................... ૩૯.૭

પોરબંદર........................................................ ૩૪

રાજકોટ....................................................... ૪૩.૩

સુરેન્દ્રનગર.................................................. ૪૨.૮

ભુજ............................................................. ૪૨.૫

કંડલા એરપોર્ટ............................................. ૪૧.૯

કંડલા પોર્ટ...................................................... ૩૮

નલિયા........................................................ ૩૮.૪

મહુવા.......................................................... ૩૩.૮

 

(9:10 am IST)