Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

અમદાવાદ પૂર્વની બેઠક માટે ભાજપ દ્વારા હજુ મનોમંથનઃ કોંગ્રેસમાં પણ એવી જ સ્થિતિ

ગુજરાત :ભાજપે 26માંથી 25 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. માત્ર એક સીટ પર ભાજપ હજી પણ કોઈ નિર્ણય પર પહોંચ્યું નથી. અમદાવાદ પૂર્વની બેઠક માટે હજી પણ ભાજપનુ પ્રદેશ નેતૃત્વ મનોમંથન કરી રહ્યું છે. ભાજપ માટે ઊંઝા વિધાનસભાની બેઠક માટે ઉમેદવાર જાહેર કરવો માથાનો દુખાવો સમાન બની રહ્યો છે. જેના માટે અમિત શાહે પણ પાર્ટી નેતૃત્વનો ઉઘડો લીધો હતો. તો બીજી તરફ કોંગ્રેસ પણ હજી કેટલીક બેઠકોમાં અટવાયું છે.

અમદાવાદ પૂર્વ

ભાજપે હવે માત્ર એક જ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરવાની બાકી છે, તે છે અમદાવાદ પૂર્વ. આ બેઠક પર પેરાશૂટ ઉમેદવાર તરીકે મનોશ જોશીનું નામ ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ બેઠક પર ભાજપ કોને લડાવશે તે પણ હજી નામ ચર્ચામાં આવ્યું નથી.

ઊંઝા વિધાનસભાની બેઠક માટે પણ કોઈ નિર્ણય ન લેવાયો

ભાજપ માટે ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ હજી સુધી કોઈ જાહેરાત થઈ નથી. અહી કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા આશાબેન પટેલને ટિકીટ આપવી તે અસમંજસ છે. તેમજ પક્ષપલટો કરીને આવેલા આશાબેનને કારણે ઊંઝામાં સ્થાનિક કાર્યકર્તાઓ પણ નારાજ છે. ભાજપ હાલ આશાબેનને લડાવવા માટે સ્થાનિક નેતાઓની મનાવવા લાગ્યું છે.

કોંગ્રેસની આ બેઠકો હજી ખાલી

ગુજરાત કાંગ્રેસ આ બેઠકો પર હજી પણ ઉમેદવારોની પસંદગી કરી શકી નથી. જેમાં સાબરકાંઠા, અમરેલી, સુરત, ભાવનગર, ખેડા, દાહોદ, ભરૂચ અને બનાસકાંઠાના ઉમેદવારની સત્તાવાર જાહેરાત હજી બાકી છે. અમરેલી બેઠક માટે પરેશ ઘાનાણી આજે ઉમેદવારી નોંધાવશે.

સુરત બેઠક માટે અશોક અધેવાડાની ઔપચારીક જાહેરાત બાકી છે. સાબરકાંઠા રાજેન્દ્રસિંહ કુંપાવત અને રાજેન્દ્ર ઠાકોર વચ્ચે ટક્કર છે, બે માંથી કોને ટિકીટ આપવી તે હજુ કોંગ્રેસ નક્કી કરી શક્યુ નથી. તો ભાવનગર મનુભાઇ ચાવડા અથવા નાનુ વાઘાણી ઉમેદવાર હોઈ શકે છે.

ખેડામાં કાળુસિંહ ડાભી અને બિમલશાહ વચ્ચે કોંગ્રેસ અટવાઇ છે. તો દાહોદમાં બાબુ કટારા કોંગ્રેસની પ્રથમ પસંદગી બની શકે છે તેવું ચર્ચામાં છે. ભરૂચમાં પીડી વસાવાનું નામ આગળ ચાલે છે. બનાસકાંઠા દિનેશ ગઢવી અને ગુલાબસિંહ રાજપુત ટીકીટ માટે હાઇકમાન્ડની શરણે છે.

(5:36 pm IST)