Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ગુજરાતના ચલચિત્રોના પારિતોષિકો જાહેર થયા

૫૩ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

અમદાવાદ,તા.૪: રાજ્ય સરકારે ગુજરાતી ચલચિત્રોના વિકાસ-પ્રોત્સાહન માટે નવી ચલચિત્ર નીતિ ઘડી છે. તદ્દઅનુસાર રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ગુજરાતી ચલચિત્રોના વિવિધ ક્ષેત્રોમાં કુલ ૩૨ કેટેગરીને લક્ષમાં લઈને પારિતોષિકો જાહેર કરી, એનાયત કરવામાં આવી છે. રાજ્યના માહિતી ખાતા દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪, વર્ષ ૨૦૧૪-૧૫ અને વર્ષ ૨૦૧૫-૧૬ એમ ત્રણ વર્ષના નિર્માણ પામેલા ચલચિત્રો માટે પારિતોષિકો એનાયત કરવા સંદર્ભે જે ચલચિત્રોની એન્ટ્રી આવેલી તેને ધ્યાને રાખી, જે તે વર્ષના પારિતોષિકોની જાહેરાત કરી છે. આ પારિતોષકોમાં વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન છ કેટેગરીમાં પારિતોષિક જાહેર કરાયા છે. જેમાં મુખ્યત્વે ગોવિંદ ઠાકોર રીક્ષાવાળો ફિલ્મમાં પોતાનો કંઠ આપનારા કીર્તિદાન ગઢવીને શ્રેષ્ઠ પાશ્વગાયક અને મા-બાપના આશીર્વાદ ફિલ્મ માટે વાસુ પાઠકને શ્રેષ્ઠ બાળ કલાકાર તરીકે પસંદ કરાયા છે.

આજ રીતે વર્ષ ૨૦૧૪-૧૫માં નિર્માણ પામેલી બે યાર ફિલ્મે ચલચિત્ર ઉપરાંત શ્રેષ્ઠ દિગ્દદર્શન અભિષેક જૈન, શ્રેષ્ઠ અભિનેતા પ્રતિક ગાંધી, શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેષ્ઠ સંગીત સહિતની ૧૪ કેટેગરીમાં ચૌદ પારિતોષિક મેળવી મેદાન માર્યું હતું. જ્યારે વર્ષ ૨૦૧૫-૧૬માં નિર્ણાણ પામેલી પ્રેમજી રાઈઝ ઓફ વ વોરિયર ફિલ્મ શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ દિગ્દદર્શન વિજયગીરી બાવા, શ્રેષ્ઠ અભિનેતા મેહુલ સોલંકી સહિતની વિવિધ દસ કેટેગરીમાં પારિતોષિક વિજેતા બનીને અગ્રેસર રહી હતી. જ્યારે આ જ વર્ષે નિર્માણ પામેલી હુ તુ તુ આવી રમતની ઋતુ ફિલ્મે દ્ધિતીય શ્રેષ્ઠ ચલચિત્ર તરીકે વિવિધ આઠ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા હતા. આ ફિલ્મની અભિનેત્રી શિતલ શાહે વર્ષ ૨૦૧૫-૧૬ના શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો અને શ્રેષ્ઠ નિદર્શન દ્ધિતીય ક્રમનો એવોર્ડ પણ મેળવ્યો હતો.

(9:33 pm IST)