Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

નડિયાદમાં ખાતામાંથી 2.27 લાખની ઉચાપત થઇ જતા ખાતેદારોમાં ફફડાટ

નડિયાદ:શેહરની પવનચક્કી જિ.પં.સામે આવેલ દેના બેંકના એકાઉન્ટન્ટે બેંકના ખાતેદારોના ખાતામાંથી ખોટી રીતે અંગુઠો કરી તેમજ એટીએમનો ઉપયોગ કરી રૂપિયા ૨,૨૭,૧૯૬ની ઉચાપત કરી હતી. બંેંક કર્મચારીએ ઉચાપત કર્યાનું બહાર આવતા ખાતેદારોમાં ફફ્ડાટ વ્યાપી ગયો છે.
લેભાગુ ગઠીયાઓ લોભામણી લાલચ આપી ફાયનાન્સ કંપનીમાં રોકાણ કરાવી નાણાં ચાઉં કરી જવાના બનાવો છાશવારે બહાર આવતા હોય છે. જેથી લોકો પોસ્ટ ઓફિસ કે રાષ્ટ્રીયકૃત બેંકમાં સલામત રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે નડિયાદ ખાતે જિ.પં. ભવન સામે પવનચક્કી વિસ્તારમાં આવેલ દેના બેંકના કર્મચારીએ પોતાની આવડતનો દુરઉપયોગ કરી જુદા-જુદા ખાતેદારોના ખાતામાંથી નાણાંની ઉચાપત કર્યાનું બહાર આવ્યુ છે. દેના બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે અરૂણકુમાર લાલસીંગ પારધી ફરજ બજાવે છે. આ એકાઉન્ટન્ટે ગત તા.૨૦-૬-૧૫ થી તા. ૨૧-૧૧-૧૭ સુધી પોતાની ફરજ દરમિયાન બેંકના અલગ-અલગ નિષ્ક્રિય ખાતા તેમજ અન્ય ખાતાઓમાં ખોટી રીતે બેંકના લેજર ખાતામાંથી જુદી જુદી રકમ ઉધારી તે રકમ ખાતેદારના ખાતામાં જમા લીધી હતી. બાદમાં જે તે ખાતેદારનો અંગુઠો કરી તેમજ એટીએમનો ઉપયોગ કરી રૂપિયા ૨,૨૭,૧૯૬ ઉપાડી લઈ પોતાના અંગત કામમાં વાપરી નાંખી ઉચાપત કરી હતી. આ બનાવની જાણ થતાં બેંકના અધિકારી વીલાબેન નીતીનચંદ્ર ચૌહાણની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:31 pm IST)