Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

કોવિડ-19 મહામારીમાં વિદેશમાં ફસાયેલા 87,000થી વધુ ગુજરાતીઓ વતન પરત ફર્યા

વિદેશમાં ફસાયેલા તમામ લોકોને તબક્કાવાર રીતે હવાઈ અથવા દરિયાઈ માર્ગે પરત લવાયા

કોરોના મહામારીના લીધે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન અને અન્ય પ્રતિબંધોને લીધે વિશ્વના અલગ અલગ દેશોમાં ફસાઈ ગયેલા 87,000 જેટલા ગુજરાતીઓને ‘વંદે ભારત મિશન’ યોજના હેઠળ પરત લાવવામાં આવ્યા છે

ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે 31મી જાન્યુઆરી 2021 સુધીમાં વિશ્વના અલગ અલગ દેશોમાં ફસાયેલા કુલ 87,144 ગુજરાતીઓને ભારત સરકારની મદદથી તેમના વતન પરત લાવવામાં આવ્યા છે. વિદેશમાં ફસાયેલા તમામ લોકોને તબક્કાવાર રીતે હવાઈ અથવા દરિયાઈ માર્ગે પરત લાવવામાં આવી રહ્યાં છે

   અંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ પર પ્રતિબંધ હોવા છતાં ‘વંદે ભારત મિશન’ સ્કીમ હેઠળ યુકે, યુએસ, કેન્યા, ભૂટાન સહિત કેટલાક દેશો સાથે સ્પેશ્યલ ફ્લાઈટનું આયોજન કરીને વિદેશમાં ફસાયેલા લોકોને ભારત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ‘આંતરરાષ્ટ્રીય એર બબલ’ પેક્ટ હેઠળ બે દેશની વચ્ચે અંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી શકે છે. કોરોનાને લીધે ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવા 23મી માર્ચ 2020થી સસ્પેન્ડ રાખવામાં આવી છે

‘વંદે ભારત મિશન’ હેઠળ જેટલા લોકોને પણ પરત લાવવામાં આવ્યા છે, તેમની યોગ્ય મેડિકલ તપાસ કરવામાં આવી છે અને ત્યારપછી ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે ક્વોરન્ટાઈન રાખવામાં આવે છે. વિદેશમાં ફસાયેલા ઘણા લોકો વિદેશ ફરવા માટે અથવા બહાર રહેતા પરિવારજનોને મળવા માટે ગયા હતા. જોકે અચાનક કોવિડ લૉકડાઉન અને અન્ય પ્રતિબંધો લાગી જતાં તેઓ ત્યાં ફસાઈ ગયા હતા. ભારત સરકારે વિદેશમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને પણ પરત લાવવામાં આવ્યા હતાં.

કેન્દ્રીય સિવિલ એવિયેશન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે હાલ વંદે ભારત મિશન યોજનાનો 8મો તબક્કો ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં 6 મિલિયન લોકોને ભારત પરત આવી ગયા છે. કોવિડ-19 લૉકડાઉનના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે સરકાર દ્વારા ‘વંદે ભારત મિશન’ લોન્ચ કરવામાં આવ્યું હતું.

(11:29 pm IST)