Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

વડોદરામાં વ્યાજના વિષચક્રમાં ફસાવનારા સામે કાર્યવાહી કરવા માંગઃ સામુહીક આપઘાતની ઘટનામાં ૪ વર્ષના બાળકને ડ્રોપરથી ઝેર પીડવાવ્યુ હોવાની શંકા : લોકડાઉન અને કોરોના કાળમાં પરીવાર ભીંસમાં આવી ગયો હતો

વડોદરા:તા:૪:ચારેકોરથી આર્થિક ભીંસમાં આવી ગયેલા સોની પરિવાર માટે સામૂહિક આપઘાત કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો ન હતો અને આજે ઢળતી બપોરે સોની પરિવારે થમ્સ અપમાં ઝેરી દવા ભેળવીને સામૂહિક ગટગટાવી લીધી હતી. મૂળ સંખેડાનો પરિવાર વ્યાજની જંજાળમાં એવો ફસાયો કે તેમની પાસે મોત વ્હાલુ કરવા સિવાય કોઈ રસ્તો રહ્યો હતો. આ પરિવારની આર્થિક સ્થિતિ એવી કંગાળ બની ગઈ હતી કે, તે વાંચીને તમને રડવુ આવી જશે. પરિવારની એવી તો કેવી મજબૂરી રહી કે, કોલ્ડડ્રિંક્સમાં ડ્રોપર વડે ઝેર નાખી 4 વર્ષના બાળકને પણ પીવડાવ્યુ હતું. એક નિર્ણયથી આખા સોની પરિવારનો માળો પીંખાઈ ગયો છે. તો બીજી તરફ, આત્મહત્યા ની પ્રેરણા આપનાર તત્વો પર કડક કાર્યવાહી કરવાની તેમના સંબંધીઓ દ્વારા માંગ કરાઈ હતી. 

સમા વિસ્તાર ની સ્વાતિ સોસાયટીના 13 નંબરના મકાનમાં સોની પરિવારે ગઈકાલે બપોરની વેળાએ કોલ્ડ ડ્રીંકમાં ઝેર મિક્સ કરીને સામૂહિક આત્મહત્યા કરી હતી. આર્થિક ભીંસને લઈને એક જ પરિવારના 6 સભ્યોને આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું હતું. આ ઘટનામાં પરિવારના 3 ના મોત થયા છે. તો હાલ ત્રણ સદસ્યો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારના મોભી નરેન્દ્ર સોની (ઉંમર 60 વર્ષ), રિયા સોની (ઉંમર 16 વર્ષ) અને પાર્થ સોની (ઉંમર 4 વર્ષ) ના મોત નિપજ્યા છે. જ્યારે કે, ભાવિન સોની (ઉંમર 28 વર્ષ), ઉર્વી સોની (ઉંમર 25 વર્ષ) અને દીપ્તિ સોની ( ઉંમર વર્ષ 55) સારવાર હેઠળ છે. 

સોની પરિવાર સામુહિક આત્માહત્યા મામલા બાદ તેમના સગા સબંધીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. આ ઘટનાથી તેમના સગાસંબંધીઓમાં દુખની લાગણી ફેલાઈ ગઈ છે. ત્રણેય મૃતકોની અંતિમવિધિ કરાશે. તો બીજી તરફ, આત્મહત્યાની પ્રેરણા આપનાર તત્વો પર કડક કાર્યવાહી કરવાની સબંધીઓએ માંગ કરી છે. પોલીસ દ્વારા કોલ ડિટેઈલ્સ કાઢી તપાસ હાથ ધરાઈ છે. 

આખરે આ પરિવારની પરિસ્થિતિ કેમ આવી થઈ તે પાછળ ચોક્કસ કારણ છે. પરિવારે સોસાયટીમાં આવેલું પોતાનું માલિકીનુ મકાન વેચી દીધું હતું અને તે રૂપિયાને વાઘોડિયા ખાતે એક સ્કીમમાં રોક્યા હતા. પરંતુ ત્યા તેમના રૂપિયા ફસાઈ ગયા હતા. કોરોનાકાળમાં તેમની સ્થિતિ વધુ બગડી ગઈ હતી. તો લોકડાઉનમાં તમામ બચત પણ પૂરી થઈ ગઈ હતી. એક તરફ ભાવિનનો ધંધો ઠપ્પ થઈ ગયો હતો. પરિવાર પાસે આવકનું કોઈ સાધન બચ્યુ ન હતું. નરેન્દ્ર સોની સાત-આઠ મહિનાથી તેમના મકાનની સામેના ભરત ગઢવીના મકાનમાં ભાડેથી રહેતા હતા. તેઓ દર મહિને 8 હજાર નિયમિતપણે ભાડું ચૂકવતા હતા. પરંતુ હવે તે ભરવા માટે પણ તેમની પાસે રૂપિયા બચ્યા ન હતા. ત્યારે આખરે પરિવારે આ રસ્તો અપનાવ્યો હતો. ઝેર પીધા બાદ ભાવિન લગભગ 2 કલાક સુધી તરફડ્યો હતો. આખરે તેણે પોલીસને ફોન કર્યો હતો. તેણે પોલીસને ઝેરી દવા પીધી છે તેવી જાણ કરી હતી. જેથી તાત્કાલિક પોલીસ તેમના મકાનમાં પહોંચી હતી. પોલીસ ઘરે પહોંચી તો બહારથી તાળુ મારેલું હતું. ભાવિને ચાવી બહાર ફેંકી છે તેવુ પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસ ચાવી શોધીને ઘરમાં પહોંચી હતી. ત્યાં સુધી તો ત્રણ સદસ્યોના મોત નિપજ્યા હતા. ઘરના વૃદ્ધ મોભી અને બે બાળકો ઝેર સામે લડી શક્યા ન હતા, અને જિંદગીની જંગ હારી ગયા હતા. 

પરિવારના તમામ સદસ્યોને ઝેર પીવડાવવાનો નિર્ણય કોનો હતો તે તે તપાસ બાદ જ સામે આવશે. જોકે, પોલીસે ઘરમાં જોયુ તો અંદરનો નજારો ભયાવહ હતો. પહેલા રૂમમાં ઊલટીઓ થઈ હતી. તો સાથે જ પેસ્ટીસાઈડ પણ ઢોળાયેલું હતું.  પોલીસે અનુમાન લગાવ્યું હતું કે ડ્રોપર વડે 4 વર્ષના બાળકને આ ઝેરી પીણું પીવડાવ્યું હશે.

(6:21 pm IST)