Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

૨૦૧૯ પછી પણ હું જ છું એટલે ચિંતા ન કરતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

જાસપુરમાં ઉમિયાધામના ભૂમિપૂજનમાં હાજરી : ભુલથી પણ દિકરીઓને મારવા માટેના પાપમાં ન પડવા હાજર લોકોને સોગંદ લેવડાવ્યા : દેશનો મિજાજ બદલાયો

અમદાવાદ, તા. ૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાસપુરમાં ઉમિયાધામમાં ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભૂમિપૂજન વિધિમાં મોદીએ ઉત્સાહપૂર્વક અને શ્રદ્ધા સાથે ભાગ લીધો હતો. મોદીએ જાસપુરમાં મંદિરનું ભૂમિ પૂજન કર્યા બાદ ઉપસ્થિત પાટીદાર સમુદાયના લોકોને પણ સંબોધન કર્યું હતું. મંદિરના નિર્માણના પ્રોજેક્ટની માહિતી મેળવીને સભા સ્થળે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ભૂમિપૂજન સ્થળે ઉમટી પડેલા પાટીદાર લોકોએ ભારત માતા કી જયના નારા સાથે મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સભા સ્થળેથી મંદિરના નિર્માણનું બીડુ ઉપાડનાર સીકે પટેલે તમામ માહિતી આપી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને છેલ્લે વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધનના અંતે વિશ્વાસ અપાવતા કહ્યું હતું કે, ૨૦૧૯ની ચૂંટણી પછી પણ તેઓ પોતે જ છે જેથી ચિંતા કરવાની કોઇ જરૂર નથી. ભૂમિપૂજન બાદ મોદીએ માતા ઉમિયાની સાક્ષીએ ઉપસ્થિત લોકોને ભ્રુણ હત્યા ન કરવાના સોગંદ પણ લેવડાવ્યા હતા. સમાજમાં ભુલથી પણ દિકરીઓની હત્યા ન કરવાના સોગંદ લેવડાવ્યા હતા. પાટીદાર તબીબોને પણ ભ્રુણ હત્યા ન કરવાના સોગંદ લેવડાવ્યા હતા. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, કુંભ મેળાની સ્વચ્છતાની સમગ્ર દુનિયાએ નોંધ લીધી છે. હવે ધીમીગતિથી દેશ ચાલે તેમ પોષાય તેમ નથી. જો કોઈ કામ કરવું છે તો મોટુ કામ કરવું પડશે. મોટુ કામ કરવાનું હોય ત્યારે દેશમાં જ કેમ દુનિયામાં પણ કેમ ન કરીએ. દેશના વીર જવાનો પણ પરાક્રમ કરે તો નાના પરાક્રમો કેમ કરે. ભારતનો મિજાજ બદલાઈ ગયો છે. આજે ભારતની બોલબાલા સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. આની સાબિતી યોગથી પણ મળે છે. યોગની માત્ર એક વખત વાત કરવામાં આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં યોગની શરૂઆત થઇ ચુકી છે. યોગને લઇને આજે દુનિયાના દેશો અપનાવી રહ્યા છે. મા ઉમિયાધામમાં અગાઉ સૌથી વધુ પ્રમાણમાં બાળકીઓને મારી નાંખવામાં આવતી હતી. શિક્ષણ અને ખેલની દુનિયામાં હવે પુત્રીઓ મેદાન મારી રહી છે. મા ઉમિયાના આશીર્વાદ લઇને દેશ આગળ વધે તે ખુબ જરૂરી છે. ભારત સરકાર જે કંઇ પણ કરવા જઇ રહી છે તે મોટાપાયે કરી રહી છે. મોદીએ ખાતરી આપતા કહ્યું હતું કે, દિલ્હીમાં જે ઘર છે તે પણ ગુજરાતના લોકોનું જ ઘર છે.

જાસપુરમાં શું કહ્યું......

*    બધાના યોગદાનથી દેશનું નિર્માણ થયું છે

*    કુંભના મેળાની સ્વચ્છતાની દુનિયામાં નોંધ લેવામાં આવી છે

*    ધીમીગતિથી હવે ચાલવાની બાબત પોષાય તેમ નથી

*    દેશના વીર જવાનો પરાક્રમ કરે તો નાના પરાક્રમ કેમ કરે

*    ભારતનો મિજાજ હવે બદલાઈ ચુક્યો છે

*    દુનિયામાં તમામ જગ્યાઓએ યોગની નોંધ લેવાઈ ચુકી છે

*    મા ઉમિયા ધામમાં સૌથી વધુ પુત્રીઓની હત્યા કરવામાં આવતી હતી આજે પુત્રીઓની હત્યા કરવાના પાપમાં ન પડવાનો સમય આવી ગયો છે

*    શિક્ષણ અને ખેલમાં પુત્રીઓ મેદાન મારી રહી છે

*    મા ઉમિયાના આશીર્વાદ લઇને દેશને આગળ લાવવાની જરૂર

*    ૨૦૧૯ પછી પણ હું જ છું એટલે ચિંતા ન કરતા

*    આધ્યાત્મિકતાની તરફ દેશ આગળ વધી રહ્યું છે

 

(8:57 pm IST)