Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

'મા'યોજનનો વ્યાપ વધ્યો : ૧ માર્ચથી નવા માપદંડ મુજબ લાભ : પરિપત્ર પ્રસિદ્ધ

વાર્ષિક ૪ લાખ સુધીની આવક ધરાવતા પરિવારને પ લાખ સુધીની સારવાર મફત : કાર્ડ ધારકો, સરકારી કર્મચારીઓ, માન્ય પત્રકારો વગેરેને લાભ

રાજકોટ, તા. ૪ : રાજય સરકારે વચગાળાના બજેટમાં જાહેર કર્યા મુજબ આરોગ્યક્ષેત્રની 'મા' અને 'મા વાત્સલ્ય' યોજનાનો વ્યાપ વધાર્યો છે. તા. ૧ માર્ચ ર૦૧૯થી તેનો અમલ થઇ ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા તા. ર૮ ફેબ્રુઆરીએ ઉપસચિવ એ.એ. બાદીની સહીથી આ અંગે પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે, 'મા' અને 'મા-વાત્સલ્ય' યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો, વાર્ષિક રૂ.૩.૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો, રાજય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણુંક આપેલ ફિકસ પગારના કર્મચારીઓ, માન્યતા પ્રાપ્ત પત્રકારો અને તેમના પરિવારો, ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના તમામ આશા બહેનો અને તેમના પરિવારો, યુ-વીન કાર્ડ ધારકો અને તેમના પરિવારો, વાર્ષિક રૂ. ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સીનીયર સીટીઝનોને  'મા' અને 'મા વાત્સલ્ય' યોજના હેઠળ હાલ લાભ આપવામાં આવે છે.

* 'મા વાત્સલ્ય' યોજના હેઠળ રૂ. ૩.૦૦ લાખ સુધીની પારિવારિક વાર્ષિક આવકને બદલે આવક મર્યાદામાં વધારો કરી રૂ. ૪.૦૦ સુધીની પારિવારિક વાર્ષિક આવક ધરાવતા પરિવારોનો સમાવેશ કરવાનો રહેશે.

* 'મા અને 'મા-વાત્સલ્ય' યોજનાના તમામ લાભાર્થી પરિવારોને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળવાપાત્ર રૂ. પ(પાંચા લાખ સુધીની નિયત કરવામાં આવેલી સારવારના લાભો આપવાના રહેશે.

* આ ઠરાવનો અમલ તા. ૧-૩-ર૦૧૯થી કરવાનો રહેશે.

* ઉકત તમામ લાભ માટેની વિગતવાર માર્ગદર્શિકા કમિશ્નરશ્રી (આરોગ્ય)ની ચેરીએ બહાર પડશે.

(3:48 pm IST)