Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

કેન્દ્રની માલિકીના જાહેર એકમો - કંપનીઓ દ્વારા ૮૫% સ્થાનિક રોજગાર નીતિનો ખુલ્લેઆમ ભંગ

ગુજરાત સરકારનો શ્રમ અને રોજગાર વિભાગ મૌન બની તમાશો જુએ છે

નવી દિલ્હી તા. ૪ : ગુજરાતમાં સ્થાનિકોને જ રોજગારી આપવાની નીતિનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. સરકાર મૌન બની આ બાબત નિહાળી રહી છે.

૧૯૯૫ની ૮૫ ટકા સ્થાનિક રોજગાર નીતિનું પાલન થઈ રહ્યું હોવાના રાજય સરકારના દાવાઓ વચ્ચે કેન્દ્ર સરકારની માલિકીના જાહેર ક્ષેત્રના એકમો આ નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરતાં હોવાનું સામે આવ્યું છે. રાજય સરકારે રાજયમાં આવતી કંપનીઓ માટે ૮૫ ટકા સ્થાનિક રોજગાર નીતિનું કડક પાલન ફરજિયાત કર્યું હોવા છતાં તેની અવગણના થઈ રહી છે. ગુજરાત વિધાનસભામાં રાજય સરકારે આપેલા આંકડા પ્રમાણે મોટી ઉદ્યોગ કંપનીઓ તો ઠીક પરંતુ જાહેર ક્ષેત્રના એકમો પણ નીતિનું પાલન કરતાં નથી.

ધારાસભ્ય સુનિલ ગામિતે પૂછેલા સવાલનો લેખિતમાં જવાબ આપતા શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી દિલિપ ઠાકોરે સુરત અને તાપી જિલ્લામાં આવેલી અને નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓની યાદી આપી હતી.

 ગામિતે માત્ર સુરત અને તાપી જિલ્લાની કંપનીઓ વિશે માહિતી માગી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલીપ ઠાકોરે બીજા જિલ્લામાં આવેલી કંપનીઓ વિશે માહિતી આપી નહોતી, જો કે ત્યાં પણ આવી જ સ્થિતિ હોવાની શકયતા છે.

નિયમોનું ઉલ્લંઘન કરતા જાહેર ક્ષેત્રના એકમો અને ખાનગી કંપનીઓ સામે કરેલી કાર્યવાહી અંગેનો સવાલનો જવાબ આપતા દિલીપ ઠાકોરે કહ્યું કે ૩૧-૦૩-૧૯૯૫ના નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓને પત્ર મોકલાયા છે સાથે જ જાગરૂકતા ફેલાવવા માટે આ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી છે. તેમણે કહ્યું કે આવા એકમો સામે કડક પગલા લેવા માટે આ વિશેની માહિતી ઉદ્યોગ કમિશનર અને લોકલ કોમર્શિયલ ટેકસ ઓફિસને મોકલવામાં આવી છે.

કેટલાક મહિનાઓ પહેલા રાજયમાં આવનારા ઔદ્યોગિક એકમોમાં ૮૫ ટકા સ્થાનિક રોજગારીની ખાતરી માટે રાજય સરકારે એક નવો કાયદો લાવવાની જાહેરાત કરી હતી. જો કે પરપ્રાંતીય મજૂરો પર થયેલા હુમલા અને હુમલાની ટીકાઓ બાદ રાજયની ભાજપ સરકારે આ વિચારને પડતો મુકવાનો નિર્ણય લીધો હતો.

(3:48 pm IST)