Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

અમદાવાદ મેટ્રોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અંતે ઉદ્ઘાટન કરાયું

ફેઝ-૨ માટે શિલાન્યાસની વિધિ પણ કરાઈ : અમદાવાદ અને ગાંધીનગરના લોકોને વધુ સારી સુવિધા મળશે : મહારાષ્ટ્ર-ગુજરાતના લોકોને હમસફરની ભેંટ

અમદાવાદ, તા. ૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે સાથે અમદાવાદના બીજા તબક્કાના શિલાન્યાસની વિધિ પણ કરી હતી. પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યા બાદ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે મેટ્રોની સવારી પણ કરી હતી. કેન્દ્રીય કેબિનેટને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના બીજા તબક્કાને લીલીઝંડી આપી હતી. તબક્કા-૨માં બે કોરિડોર બનાવવામાં આવશે. જેની કુલ લંબાઈ ૨૮.૨૫૪ કિલોમીટરની રહેશે. આનાથી અમદાવાદ અને ગાંધીનગરના લોકોને સુવિધાના વધારે વિકલ્પો મળશે.  અમદાવાદના પ્રથમ તબક્કાની કુલ લંબાઈ ૪૦.૦૩ કિલોમીટર છે. જેમાં ૬.૫ કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ છે અને બાકી એલિવેટેડ છે. આનાથી માત્ર કનેક્ટીવીટી જ મળશે નહીં બલ્કે યાત્રામાં લાગતા સમયને પણ બચાવી શકાશે. લોકોના જનજીવન પર પણ ખુબ અસર થશે. અમદાવાદ મેટ્રોનું કામ બે તબક્કામાં ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી થલતેજ ગામ સુધી અને બીજા તબક્કામાં ગ્યાસપુર ડેપોથી મોટેરા સ્ટેડિયમ સુધી આ તબક્કો ચાલનાર છે.  દરમિયાન ગુજરાતના બે દિવસના પ્રવાસે પહોંચેલા મોદીએ આજે લોકોને અનેક મોટી યોજનાઓની ભેંટ આપી હતી. મોદીએ પોતાની યાત્રાના ભાગરુપે જામનગરથી બાંદરા વચ્ચે એક નવી ટ્રેનની શરૂઆત કરાવી હતી. વડાપ્રદાને ગુજરાતમાં નવી હમસફર એક્સપ્રેસને લીલીઝંડી આપી હતી.  રેલવેના કહેવા મુજબ જામનગરથી બાંદરા વચ્ચે ચાલતી આ ટ્રેનથી મહારાષ્ટ્રથી દ્વારકાના દર્શન માટે આવનાર યાત્રીઓને પણ આ સુવિધા મળશે.  રેલવેના કહેવા મુજબ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં લઇને વિવિધ પગલા  લેવામાં આવી રહ્યા છે. જામનગરથી બાંદરા સ્ટેશન વચ્ચે નવી ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન જામનગરથી મંગળવાર, ગુરુવાર અને રવિવારે દોડશે જ્યારે બાંદરાથી સોમવાર, બુધવાર અને શનિવારે દોડાવવામાં આવશે. જામનગરથી આ ટ્રેન રાત્રે આઠ વાગે રવાના થશે. આગલા દિવસે ૧૦.૨૦ વાગે બાંદરા પહોંચશે. રિઝર્વેશનની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરાઈ છે. રાજકોટ, સુરત, વડોદરા થઇને આ ટ્રેન પસાર થશે. જામનગરથી ચાલતી હમસફર એક્સપ્રેસ મુખ્યરીરેત રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, વાપી અને બોરીવલ્લી સ્ટેશન થઇને બાંદરા પહોંચશે.

 

 

(8:56 pm IST)