Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

અન્નપૂર્ણાધામમાં જળયાત્રા, શોભાયાત્રાનું આયોજન થયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્નપૂર્ણાધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરશે : શણગારેલા રથમાં અન્નપૂર્ણામાતાની દિવ્ય મૂર્તિ સહિતની અન્ય મૂર્તિઓ બેન્ડવાજા, વાજતેગાજતે લાવવામાં આવી

અમદાવાદ,તા. ૩ : અડાલજ-કોબા રોડ પર લેઉવા પાટીદારોના સ્વમાન અને ગૌરવનું શ્રધ્ધાતીર્થ સમા સમગ્ર વિશ્વના પ્રથમ, સૌથી મોટા અને કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન પંચતત્વ  અન્નપૂર્ણાધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તા.૫મી માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે કરવામાં આવનાર છે ત્યારે તેના ભાગરૂપે આજે અન્નપૂર્ણા માતાજીની ભવ્ય શોભાયાત્રા  અને જલયાત્રા અડાલજ ગામમાં નીકળી હતી. ખૂબ મોટી સંખ્યામાં બહેનો અને કુંવારિકા દિકરીઓએ અડાલજ ગામની ઐતિહાસિક વાવમાંથી પાણી લઇને  અન્નપૂર્ણાધામના પૂજાસ્થળે જલયાત્રા લાવવામાં આવી હતી. સાથે સાથે અડાલજ શ્રી સ્વામિનારાયણ મંદિરથી શણગારેલા રથમાં અન્નપૂર્ણામાતાજીની દિવ્ય મૂર્તિ ઉપરાંત, અંબાજી માતા, ખોડિયાર માતા, હનુમાનજી, ગણપતિ દાદા, યમદેવ, વરૂણ દેવ અને ઇન્દ્ર દેવની મૂર્તિઓને પણ સેંકડો શ્રદ્ધાળુ ભકતો અને ગ્રામજનો દ્વારા બેન્ડવાજા અને વાજતેગાજતે વરઘોડા સાથે અન્નપૂર્ણાધામના નિજમંદિરમાં લાવવામાં આવી હતી. જયાં તમામ મૂર્તિઓને પવિત્ર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, ચેરમેન રવજીભાઇ સવાણી અને મીડિયા કો-ઓર્ડિનેટર હિતેશ પટેલ(પોચી)એ આ અંગે જણાવ્યું હતું કે, આવતીકાલે સવારે દસ વાગ્યે દેવી-દેવતાઓને આહુતિ આપવામાં આવશે અને બપોરે ૧૨-૩૯ મિનિટે અન્નપૂર્ણા માતાજી સહિતની આ તમામ મૂર્તિઓને મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ તા.૫મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અન્નપૂર્ણા ધામના વિશ્વના સૌપ્રથમ પંચતત્વ આધારિત મંદિરમાં અન્નપૂર્ણા માતાજી સહિતની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી અન્નપૂર્ણાધામના ભવ્ય છાત્રાલય, ભોજનાલય, અદ્યતન લાયબ્રેરી, ફોટોગેલેરી, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમકેન્દ્રો તથા રહેવા માટેની રૂમો સહિતના અન્ય પ્રોજેક્ટસનું પણ ખાતમૂર્હુત કરશે. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં રાજયપાલ ઓ.પી.કોહલી, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના મહાનુભાવો હાજરી આપશે. અન્નપૂર્ણા મંદિરની સાથે સાથે ૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવું ભવ્ય છાત્રાલય, ભોજનાલય, અદ્યતન લાયબ્રેરી, ફોટોગેલેરી, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમકેન્દ્રો તથા રહેવા માટેની રૂમો સહિતના અન્ય પ્રોજેક્ટસ રૂ.૫૦ કરોડના ખર્ચે હાથ ધરાશે. અન્નપૂર્ણા માતાજીની આજની ભવ્ય જળયાત્રા અને શોભાયામાં સેંકડો મહિલાઓ, કુંવારિકા દિકરીઓ સહિત હજારો શ્રધ્ધાળુ ભકતો અને ગ્રામજનો જોડાયા હતા. જેને લઇ ભકિતનો માહોલ જાણે છવાયો હતો. અન્નપૂર્ણા માતાજીનું વિશ્વનું આ પ્રથમ પંચતત્વ આધારિત મંદિર  છે કે, જેમાં દાનપેટી નહી મૂકાય અને દોરા-ધાગાની અંધશ્રદ્ધા કે શ્રીફળ વધેરવા જેવી વિધિઓ પણ નહી થાય. અહીં માત્ર શુધ્ધ ભકિત અને દર્શનને જ અવકાશ છે. વડાપ્રધાનના તા.૫મીના કાર્યક્રમને લઇ અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજ દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

 

 

(8:52 am IST)