Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

શામળાજી નજીકથી કારની ડેકીમાં છુપાવેલ 1.5 કરોડના ચરસના 12 કિલોના જથ્થા સાથે બે ડ્રગ માફિયાઓ ઝડપાયા

રાજસ્થાન તરફથી આવતી ચંદીગઢ પાસિંગની કારમાં નશીલો પદાર્થ ઘુસાડવાની પેરવી કરવાનો પર્દાફાશ

શામળાજીઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ બાતમીના આધારે શામળાજી નજીકથી કારની ડેકીના પટ્ટાઓમાં છુપાવીને ઘુસાડાતા અંદાજે દોઢ કરોડથી વધુની કિંમતના ૧૨ કિલો ચરસનો જંગી જથ્થો જપ્ત કરી મુસ્તાક અને જાહિદ નામના બે ડ્રગ માફિયાઓને દબોચી લીધા હતા. શામળાજી-રતનપુર ચેકપોસ્ટ મારફતે રાજ્યમાં આટલી મોટી માત્રામાં નશીલો પદાર્થ ઘુસાડવાની પેરવી કરનાર ઘટનાનો પર્દાફાશ થયો છે

પ્રાપ્ત માહિતી અનુસાર,અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે અમદાવાદ-ઉદેપુર ને.હા.૪૮ પર આવેલ શામળાજી આશ્રમ ચોકડી નજીકથી બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતી ચંદીગઢ પાસિંગની કાર (ગાડી.નં.-CH 01 BF 9466) માં ડેકીના પટ્ટાઓમાં છુપાવીને કાગળના બંડલમાં ઘુસાડાતા ૧૨ કિલો ચરસના જથ્થા સાથે મુસ્તાક અને જાહિદ નામના બંને શખ્શોની ધરપકડ કરી બંને શખ્શોની તલાસી લીધી હતી. સાથે જ કરોડો રૂપિયાનો ચરસનો જથ્થો મંગાવનાર સૂત્રધારની ઓળખ મેળવવાની સાથે શોધખોળ હાથધરી હતી.

રાજસ્થાન માંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રતનપુર-શામળાજી માર્ગે હેરાફેરી કરવામાં આવે છે. બુટલેગરો માટે સેફ હેવન ગણાતા આ માર્ગ પરથી હવે નશીલા પદાર્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યા છે. ૨ ઓગસ્ટ-૨૦૧૮માં પણ એનસીબીની ટીમે ત્રાટકી શામળાજી નજીકથી કારમાં ૨ કરોડનું ૧૩.૫ કિલો ચરસના જથ્થા સાથે એક શખ્શની ધરપકડ કરી હતી. શામળાજી-રતનપુર રોડ મારફતે યુવાધનને નશાના રવાડે ચઢાવતા અને બરબાદીના પંથે ધકેલાતા માદક પદાર્થો જેવાકે હેરોઈન, ચરસ, ગાંજો, પોષ ડોડા ઘુસાડવા પણ ઉપયોગમાં લેવાતા નાર્કોટિક્સ તંત્રના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. બંને શખ્શોને ભિલોડા કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી હતી.

(6:41 pm IST)