Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અમદાવાદમાં બ્યુટી પાર્લરની આડમાં ચાલતા હનીટ્રેપના ગોરખધંધાનો પર્દાફાશઃ મેડિકલ સ્ટોરમાં યુવકને ફસાવીને મહિલાઍ ૨૫ લાખ માંગ્યા

અમદાવાદઃ હનીટ્રેપ માટે મહિલાઓ અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવે છે. ઘણા કિસ્સામાં પુરુષો યુવતીઓનો સંપર્ક કરી તેમને સામિલ કરી હનીટ્રેપ ગોઠવે છે. પણ સુરતમાં તો બ્યુટીપાર્લરની આડમાં ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. મહિલાએ મેડિકલ સ્ટોરના યુવાનને વાતોમાં ફસાવી 25 લાખ રૂપિયાની માગણી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સુરતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપમાં ફસાવવાની ઘટનાઓમાં સતત વધારો થયો છે. આ વખતે શહેરના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો યુવાન હનીટ્રેપમાં ફસાયો છે અને બ્યુટીપાર્લર સંચાલિકાએ આ યુવાનને પોતાની જાળમાં ફસાવ્યો છે પણ અંતે આ મહિલા પોતાની મનસુબા કામયાબ કરે તે પહેલા જ પોલીસ સકંજામાં સપડાઈ ગઈ છે. યુવકની ફરિયાદ મુજબ મહિલા તેના મેડિકલ સ્ટોરમાં આવી હતી અને કોઈ વસ્તુ ન મળતા મોબાઈલ નંબરની આપલે કરી અને અહીંથી તેણે જાળ બિછાવાનું શરુ કર્યું હતું.

25 દિવસ પહેલા મહિલા મેડિકલ સ્ટોરમાં આવી હતી અને તેણે ફેસવોશ માગ્યુ હતું. સ્ટોરમાં હાજર યુવાને ફેસવોશ સ્ટોકમાં ન હોવાનું જણાવ્યુ તો મહિલાએ તેનો પોતાનો મોબાઈલ નંબર આપ્યો અને સ્ટોક આવે ત્યારે જાણ કરવા જણાવ્યું હતું. હસીહસીને યુવાન સાથે વાત કરતી આ મહિલાની વાતથી અજાણ યુવાને જ્યારે ફેસવોશ આવ્યુ ત્યારે તેણે મહિલાને ફોન કર્યો અને મહિલાએ પણ ફોન આવ્યાના ત્રણ દિવસ પછી જઈ ફેસવોશ ખરીદ્યુ હતું. બાદમાં મહિલા વારંવાર ફોન કરી વાતો કરતી હતી અને અંતે યુવાનને પોતાના પ્લાન મુજબ શરીર સુખ માણવાની ઓફર કરી. ના માત્ર ઓફર પણ પોતાના બ્યુટી સેન્ટરનું એડ્રેસ પણ આપ્યુ. યુવાનના જણાવ્યા અનુસાર તેણે મહિલાને ફોન ન કરવા જણાવ્યુ તેમ છતાં મહિલા વારંવાર ફોન કરી ઓફર કરતી રહી.બ્યુટી પાર્લરમાં જવાની યુવાનની ભૂલ પડી ભારે

યુવાન પૂણાના ભૈયાનગર સારથી હાઈટ્સ સ્થિત હંસમોર બ્યુટી સેન્ટરમાં ગયો અને તે સમયે પાર્લરમાં અન્ય ત્રણ મહિલા પણ હાજર હતી. મહિલાને શિકાર મળ્યો હોય તેમ તેણે પાર્લરનું શટર બંધ કરી દીધુ અને ત્રણ મહિલાઓમાંથી એકને શરીર સુખ માણવા પસંદ કરવા જણાવ્યુ. બાદમાં એકનો ચાર્જ 1 હજાર રૂપિયા પણ ગણાવ્યો. પણ યુવાનને જાણે પોતાની ભૂલનું ભાન થયુ હોય તેમ તેણે બહાર જવાનો પ્રયાસ કર્યો પણ મહિલાએ લાકડી વડે તેને માર મારી ધમકી આપી કે 1 હજાર નહી તો 25 લાખ રૂપિયા તો આપવા જ પડશે નહી તો પોલસીને જાણ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી. યુવાને આજીજી કરતા તેના પર્સમાંથી 2 હજાર રોકડા કાઢી લીધા હતા અને બાદમાં મહિલાએ પોતે જ સુરત પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને બોલાવી હતી.

મહિલાએ પોલીસને બોલાવવાની કરી ભૂલ

યુવાન આ મહિલાના ચંગુલમાં ફસાઈ ગયો હતો પણ મહિલાએ પોલીસને બોલાવવાની કરેલી ભૂલ જ તેને ભારે પડી ગઈ. પોલીસ દોડી આવી ત્યા સુધીમાં ત્યા હાજર ત્રણ મહિલાઓ ત્યાથી ચાલી ગઈ હતી. પોલીસે મહિલાની વાત સાંભળી અને બંનેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા જ્યા યુવાને તમામ હકીકત જણાવતા પોલીસે મહિલા વિરુદ્ધ જ ગુનો દાખલ કર્યો છે. હનીટ્રેપમાં ફસાયેલા યુવાનની ફરિયાદના આધારે મહિલાની અટકાયત કરી અન્ય મહિલાઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.

(5:44 pm IST)