Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

સુરતના ભરીમાતા રોડ નજીક ત્રણ દિવસથી બંધ રહેલ ગોડાઉનની ગ્રીલ તોડી તસ્કરો 7.36 લાખની કિંમતની સાયકલ ચોરી ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ભરીમાતા રોડ રામેશ્વરી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ વિભાગ 2 માં આવેલું સાયકલ એસેમ્બલ કરવાનું ગોડાઉન ત્રણ દિવસ બંધ હતું. ત્યારે તસ્કરો ગોડાઉનની ગ્રીલ અને દરવાજાના તાળા તોડી રૂ.7.36 લાખની કિંમતની 92 નંગ સાયકલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના શાહપોર વકીલ સ્ટ્રીટ મઠીયા ફળીયું ઘર નં.12/1226માં રહેતા 42 વર્ષીય મો.અસલમ મો.યુસુફ ઘડીયાળી ભરીમાતા રોડ રામેશ્વરી ઈન્ડસ્ટ્રીજ એસ્ટેટ વિભાગ 02 પહેલો માળ દુકાન નં. 72-બી થી 76- બીમાં આવેલા ગોડાઉનમાં પ્રાઈમ સાઈકલ ના નામે સાયકલ એસેમ્બલ કરી વેચાણ કરે છે. ગત રવિવાર 31 જાન્યુઆરીની રજા બાદ લગ્નપ્રસંગમાં જવાનું હોવાથી 1 અને 2 જાન્યુઆરીએ પણ તેમણે ગોડાઉન બંધ રાખ્યું હતું. ગત સવારે 9.45 કલાકે તે ગોડાઉન ઉપર પહોંચ્યા ત્યારે ગોડાઉનની ગ્રીલ અને દરવાજાના તાળા તૂટેલા હતા. અંદર જઈ જોયું તો સાયકલો અને તેના સ્પેરપાર્ટસનો સામાન વેરવિખેર હતો.

ગોડાઉનમાંથી ચોરી થઈ હોવાની જાણ થતા પિતરાઈ ભાઈ મો.અફઝલ મો.આઝમ ઘડીયાળી અને ગોડાઉનમાં કામ કરતા પાંચ કારીગરોને ત્યાં બોલાવી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તસ્કરો રૂ.7.36 લાખની કિંમતની 92 નંગ એસેમ્બલ કરેલી સાયકલ ચોરી ગયા છે. અંગે મો.અસલમે ગતરોજ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે

(5:19 pm IST)