Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રાજયસભાની બે બેઠકોની ૧ માર્ચે ચુંટણી : જુદા જુદા મતપત્રકના મુદ્દે કાનૂની વિવાદના લબકારા

જુદી ચૂંટણીથી બન્ને બેઠકો ભાજપને મળવાના સંજોગો : એક ટિકીટ બક્ષીપંચ-અનુસુચિત જાતિને મળવાની શકયતા : નામો વહેતા : અહેમદભાઇ અને અભયભાઇની બેઠક ખાલી પડી છેઃ તા.૧ માર્ચે રાજયસભાની ચુંટણી અને પરીણામઃ બીજા દિવસે તાલુકા- જિલ્લા પંચાયતોનું પરીણામઃ વિધાનસભા સત્ર એ જ અરસામાં

રાજકોટ, તા., ૪: કેન્દ્રીય ચુંટણી પંચે ગુજરાતની રાજયસભાની બે બેઠકો માટે ચુંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો છે. બન્ને બેઠકોની ચૂંટણી અલગ-અલગ મતપત્રકથી થનાર હોવાથી બેય ભાજપને જ મળે તેવા સંજોગો છે. સંભવીત ઉમેદવારોના નામ ચર્ચાવા લાગ્યા છે.

રાજયસભાની ચુંટણીનું જાહેરનામું ૧૧ ફેબ્રુઆરીએ બહાર પાડશે. તા.૧૮ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ૧૯મીએ ચકાસણી થશે. તા.૧ માર્ચ સવારે ૯ થી ૪ મતદાન થશે તે જ દિવસે પ વાગ્યાથી મત ગણતરી થશે.

કોંગ્રેસના સભય શ્રી અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલ બેઠક પર બાકીની અઢી વર્ષની મુદત માટે મતદાન થશે. ભાજપના સભ્ય શ્રી અભયભાઇ ભારદ્વાજના અવસાનથી ખાલી પડેલ બેઠક પર બાકીની સવા પાંચ વર્ષની મુદત માટે ચુંટણી થશે. સંખ્યાબળ મુજબ  ભાજપ-કોંગી બન્નેને એક-એક બેઠક મળવાપાત્ર છે પણ અલગ-અલગ મતપત્રકથી ચૂંટણી કરવાની હોવાથી બન્ને બેઠકો ભાજપને જ મળે તેવી સ્થિતિ છે. ચૂંટણી પંચના આ નિર્ણયને કોંગ્રેસ અદાલતમાં પડકારે  તેવી શકયતા નકારાતી નથી.

ભાજપ એક બેઠક પર અનુસુચિત જાતિ અથવા બક્ષીપંચને ટીકીટ આપે તેવી પ્રબળ શકયતા છે. સ્થાનીક સ્વરાજયની ચૂંટણીના આગલા દિવસે જ રાજયસભાની ચૂંટણી થશે. સતત બે દિવસ, મહત્વની ચૂંટણીના પરિણામોના રહેશે. વિધાનસભા સત્ર પણ તા. ૧ માર્ચથી યોજવાનું જાહેર થયું છે.

(4:00 pm IST)