Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

સાંજ સુધીમાં ૬ કોર્પોરેશનના ઉમેદવારોની યાદી જાહેર કરાશે : સી.આર.પાટીલ

પ૦% મહિલા ઉમેદવારોને ટિકીટ અપાઇ : પૂર્વ મેયરને ટિકીટ નહી અપાય : કુલ પ૭૬ બેઠકો ઉપર સરેરાશ ૬૦-૭૦ કાર્યકર્તાઓએ ટિકીટ માંગી હતી

પત્રકાર પરીષદમાં વિગતો રજુ કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નજરે પડે છે. 

રાજકોટ, તા. ૪ : આગામી તા. ૨૧ ફેબ્રુઆરીએ રાજ્યમાં ૬ મહાનગરપાલિકા તેમજ ૨૮ ફેબ્રુઆરીએ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) સાંજ સુધીમાં પોતાના તમામ ઉમેદવારોની જાહેરાત કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે પત્રકાર પરિષદ યોજી હતી.  

સીઆર પાટિલે જણાવ્યુ કે, ભાજપે સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી, પારદર્શક રીતે અને શીસ્તબદ્ધ રીતે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રથમ તબક્કામાં નીરિક્ષકોએ જઇને અલગ-અલગ જિલ્લા-મહાનગરોમાં ત્યાના કાર્યકર્તા, આગેવાનો અને લોકલ સંગઠનો સાથે બેસી સેન્સ લીધી હતી. સંગઠનો સાથે બેસીને ત્રણ ત્રણની પેનલ બનાવી હતી. આ રીતે ૫૭૬ બેઠક ઉપર એવરેજ ૬૦-૭૦ કાર્યકર્તાઓએ ટિકિટ માંગી હતી. પેનલે પણ બે-ત્રણ વાર છનાવટ કરી પાર્લામેન્ટરી બોર્ડની અંદર વિગતે ચર્ચા કરી હતી. જ્યા જરૂર પડી ત્યા વધુ માહિતી માંગી હતી, ઉમેદવાર માટેની ચર્ચા વિચારણા કરીને યાદી તૈયાર કરવામાં આવી છે.

સીઆર પાટિલે કહ્યુ કે, આજ સાંજ સુધીમાં તબક્કાવાર દરેક મહાનગર પાલિકાનું લિસ્ટ મોકલી આપવામાં આવશે. આવતીકાલે ૫ તારીખે ૧૨.૩૯ કલાકે દરેક મહાનગરમાંથી ભાજપના કાર્યાલયમાંથી ઉમેદવાર કોવિડના નિયમોનું પાલન કરી ફોર્મ ભરવા જશે. પાર્લામેન્ટરી બોર્ડે ગુજરાતમાં અલગ નિયમો બનાવ્યા હતા. ત્રણ ટર્મથી વધુને ટિકિટ આપવી નહી, ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારને ટિકિટ ના આપવી, માજી મેયરને ચૂંટણી ના લડાવવાનો નિર્ણય કર્યો હતો. કોઇ પણ આગેવાન, પદાધિકારી, પ્રતિનિધિ હોય તેમના કોઇ સગાને ટિકિટ ના આપવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતના ભાજપના સૌ કાર્યકરોને હું આભાર માનું છું કે પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયને તેમને આવકાર્યો છે.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષે વધુમાં કહ્યુ, આ પ્રક્રિયા પૂર્ણ થઇ છે. આ પ્રક્રિયાની અંદર ૫૦ ટકા મહિલા અને ૫૦ ટકા પુરૂષો સાથે ૫૭૬ ઉમેદવારોની યાદી બનાવવામાં આવી છે. ભાજપના કાર્યકર્તાઓ આગેવાનોએ પદાધિકારીઓએ જે મહાનગરપાલિકા ભાજપ પાસે હતી. તેમાં વિકાસનું કામ કર્યુ છે અને જ્યા ડેવલપમેન્ટને કારણે ગુજરાતના વિકાસમાં જે રીતે લોકોની ઇર્ષ્યા થાય એટલુ કામ થયુ છે.

(1:26 pm IST)