Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અમદાવાદમાં બીજા તબક્કામાં કોરોનાની રસી મેળવવા વગદાર લોકોના હવાતિયાં : બિલ્ડરો અને ઉદ્યોગપતિએ પણ લીધો લાભ

કેટલીક હોસ્પિટલો દ્વારા સ્ટાફના નામમાં બિલ્ડરો તેમજ ઉદ્યોગપતિઓના નામ લેટર પેડ પર લખી દેવાયા : એએમસી કરશે તપાસ

અમદાવાદ : દેશમાં બીજા તબક્કાના વેક્સિનેશનમાં કોરોના વોરિયર્સને રસી અપાઈ રહી છે ત્યારે સીંધુંભવન રોડ પર આવેલ પંડિત દિન દયાલ હોલ ખાતેના વેક્સિન સેન્ટરમાં હેલ્થકર્મચારીઓ સિવાય કેટલાક વગદાર લોકો દ્વારા વેક્સિન લેવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. એએમસી દ્વારા આ અંગે તપાસ કરવાની વાત કરી છે

   કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીથી કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર તેમજ બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હાલમાં પ્રથમ તબક્કાનું વેક્સિનેશન ચાલી રહ્યું છે, તેવામાં અમદાવાદની કેટલીક હોસ્પિટલો દ્વારા પોતાના સ્ટાફના નામમાં બિલ્ડરો તેમજ ઉદ્યોગપતિઓના નામ લેટર પેડ પર લખી આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે

   અમદાવાદમાં હેલ્થ વર્કર તેમજ ફ્રન્ટલાઈન વર્કર સિવાયના કેટલાક ઉદ્યોગપતિઓ તેમજ બિલ્ડરોએ પોતાના પરિવાર સાથે રસી લઇ લીધી છે. જેને લઇને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકોએ તો રસી લીધા બાદ ફેસબુક પર પોતાના ફોટો પણ અપલોડ કર્યા હોવાની ચર્ચા છે

   આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ ઓફિસર ભાવેશ સોલંકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે પંડિત દિન દયાલ હોલ ખાતે આવેલા વેક્સિન સેન્ટરમાં એવા લોકોને પણ વેક્સિન આપવામાં આવે છે જેમનું વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય છે. જોકે, આવા લોકોને સ્પોર્ટ્સ રજીસ્ટ્રેશન કરીને વેક્સિન આપવામાં આવે છે . જે માટે વેક્સિન લેવા આવનાર હોસ્પિટલ સ્ટાફને હોસ્પિટલનો લેટર લઈને આવવાનો હોય છે.

   અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ ઓફિસર ભાવેશ સોલંકીએ જણાવ્યું કે, જો કોઈ હોસ્પિટલ દ્વારા હેલ્થ કેર વર્કર સિવાયના વ્યક્તિને સ્ટાફ લેટર આપવામાં આવ્યો હોય તો તે અંગે અમે તપાસ કરીને એક્શન લઈશું

(12:40 am IST)