Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

મારો પતિ સિંહ છે અને જેલથી ડરતો જ નથી : હાર્દિક પટેલની પત્નિ

ત્રણ વખત હાર્દિક પટેલની ધરપકડ થતાં પત્નીનો રોષ : રાજ્યમાં હાર્દિક પટેલ કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરી રહ્યો હોવાથી હાર્દિક પટેલ પર ખોટા કેસ થઇ રહ્યા છે : કિંજલ પટેલ

અમદાવાદ,તા. : પાટીદાર અનામત આંદોલનના આગેવાન અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સતત અલગ અલગ કેસમાં ધરપકડનો સિલસિલો ચાલુ રહેતા અકળાયેલી હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે ટ્વિટર દ્વારા ભાજપ સરકારની નીતિ સામે આક્રોશ વ્યકત કરતાં રાજકારણ ગરમાયું છે. ટવીટમાં તેણીએ હાર્દિક પટેલને સિંહ ગણાવ્યો છે અને ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. કિંજલ પટેલે ટ્વિટ કર્યું છે કે, તેનો પતિ હાર્દિક સિંહ છે તે, તે કોઈ ધરપકડથી કે જેલથી ડરતો નથી અને આજે કેદ છે કારણ કે તેની ત્રાડથી રાજનીતિ ડરેલી છે. એક બીજા ટ્વિટમાં કિંજલ પટેલે લખ્યુ કે, ગુજરાતમાં હાર્દિક કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરી રહ્યો હોવાથી ભાજપ સરકાર હાર્દિક પર ખોટા કેસ કરી રહી છે અને વારંવાર તેની ધરપકડ કરવામાં આવી રહી છે.

       ગુજરાતમાં ભાજપને માત્ર હાર્દિકથી તકલીફ છે. તા.૧૮ જાન્યુઆરીની રાત્રે રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર નહી રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું. ત્યારબાદ તેની વિરમગામ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજદ્રોહના કેસમાં શરતી જામીન મળતા હાર્દિક જેલ બહાર આવ્યો હતો. પરંતુ જેલ બહાર આવતા માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી.

         માણસા કોર્ટમાંથી જામીન મળતા હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ ૨૦૧૭માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતા તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. સિદ્ધપુર કેસમાં જામીન પર છૂટ્યા બાદ હાર્દિક પટેલ સામે વર્ષ ૨૦૧૫માં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટના એડિશનલ જજ ઉનડકટે નામંજૂર કરી હતી. જેને પગલે હાર્દિક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આમ, એક પછી એક કેસમાં હાર્દિકની ધરપકડને લઇ કોંગ્રેસની સાથે સાથે ખુદ પાટીદાર સમાજમાં ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે ત્યારે હાર્દિકની પત્ની કિંજલ પટેલનો આક્રોશ સામે આવતાં રાજકારણ ગરમાયું હતું.

(8:54 pm IST)