Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

સાયબર માફીયાઓની કમ્મર તોડવા રાજ્યભરમાં તાલીમબદ્ધ અધિકારીઓને ડીજીએ મેદાને ઉતાર્યા

રાજકોટમાં એન.સી. પટેલ-જૂનાગઢ રેન્જમાં કે.કે.હાંસલીયા સહિત ૧૩ અધિકારીઓને એફએસએલ તાલીમ બાદ પોસ્ટીંગ : દારૂ-જુગાર સામે ફરીથી આકરી ઝુંબેશઃ બેઠી રેડો ન થાય તે જોવા પોલીસ કમિશ્નરો અને રેન્જ વડાઓને ડીજીપી શિવાનંદ ઝા દ્વારા તાકીદ

રાજકોટ, તા. ૪ :. દેશના અન્ય રાજ્યો માફક ગુજરાતમાં સાયબર ક્રાઈમના વધતા જતા બનાવો પર અંકુશ મેળવવા રાજ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રોજેકટોની સાથોસાથ પ્રેકટીકલ રીતે અમલવારી કરવા માટે નિષ્ણાંત પીએસઆઈઓને બઢતી આપવી વિવિધ શહેર-જિલ્લામાં નિમણૂંક રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આપવામાં આવી છે.

વાયરલેસ પીએસઆઈ તરીકેનું ટેકનીકલ જ્ઞાન ધરાવતા ૧૩ જેટલા જે પીએસઆઈઓને બઢતી આપી પોસ્ટીંગ આપવામાં આવ્યુ છે તેમા રાજકોટ શહેરમાં એન.સી. પટેલ, જૂનાગઢ રેન્જમાં કે.કે. હાંસલીયા, અમદાવાદ રેન્જમાં ડી.બી. પટેલ, ગાંધીનગર રેન્જમાં કે.જે. ચાંદના, સુરત શહેરમાં સી.એમ. શાહ, સુરત રેન્જમાં કે.ડી. ભટ્ટ, વડોદરા રેન્જમાં એમ.બી. ઠક્કર અને સીઆઈડી સાયબર સેલમાં એમ.વી. ભાખરીયાની નિમણૂક કરવામાં આવી છે. આમ ચાર શહેર અને સાત જેટલી પોલીસ રેન્જોમાં આવા અનુભવી અધિકારીઓની નિમણૂંકથી સીસીટીવી, ઈ-ગુજકોપ અને સાયબર ક્રાઈમ મોનીટરીંગને બળ મળશે.

ઉકત તમામ પીઆઈઓ હાલમાં એફએસએલમાં તાલીમ લઈ રહ્યા છે. ૩૦ દિવસની તાલીમ બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં ૧૦ દિવસની તાલીમ બાદ તેઓને સ્વતંત્ર કામગીરી સોંપવામાં આવશે. આમ સાયબર ક્રાઈમ માફીયાઓને અંકુશમાં લેવાની દિશામાં રાજ્યના પોલીસ વડા દ્વારા એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યુ છે.

દરમિયાન રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ફરીથી ૧૫ દિવસની દારૂ-જુગાર સામે કડક ઝુંબેશ ચલાવવા રાજ્યભરના સંબંધક ઉચ્ચ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. ભૂતકાળમાં જે સ્થળે દારૂ-જુગારના અડ્ડા ચાલતા હતા તે ફરીથી ધમધમવા મંડયા તો નથીને ? ક્રાઈમ બ્રાંચ અને પીસીબી બ્રાંચોને પણ અસરકારક કામગીરી કરવા સૂચના આપવા સાથે બેઠી રેડ જેવુ ન થાય તે જોવા માટે પણ પોલીસ કમિશ્નરો અને રેન્જ વડાઓને અંગત સૂચના આપી જરૂર જણાયે ક્રોસ ચેકીંગ કરી રેડો કરાવવા પણ આદેશ કર્યાનું સૂત્રો જણાવે છે.

(11:56 am IST)