Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

અમદાવાદમાં તલવાર લઈને લુખ્ખાઓનો આતંક : ટિકટોક પર લખ્યું- 'મેઘાણીનગર કા નયા ભાઈ

20 જેટલા વાહનોના કાંચ ફોડી નાખ્યા: રિક્ષા ચાલકને રોકી તલવારના ઘા મારી ગળામાંથી સોનાનો દોરો, રોકડ અને મોબાઇલ મળી 88 હજારની લૂંટી કરી

અમદાવાદના મેઘાણીનગરમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે જેલમાંથી છુટતાની સાથે જ માથાભારે ગુનેગાર જાણે પોલીસને ધમકાવતો હોય તેમ રસ્તા પર તલવાર લઇને ફર્યો અને 20 જેટલા વાહનોના કાંચ ફોડી નાખ્યા હતા. એટલેથી ગુનેગાર રોકાયો નહી અને એક રિક્ષા ચાલકને રોકી તેને તલવારના ઘા મારી તેના ગળામાંથી સોનાનો દોરો, રોકડ અને મોબાઇલ મળી 88 હજારની લૂંટી કરી હતી. વિરોધ કરનાર ચાર લોકોને તલવારના ઘા માર્યા હતા.

ખુલ્લા રોડ પર આતંક જોઇ ડરી ગયેલા લોકોએ પોલીસને ફોન કર્યો પરંતુ ફિલ્મી સ્ટાઇલે આરોપીઓ ભાગી ગયા બાદ પોલીસ પહોચી હતી. અગાઉ પણ રાત્રે બુટલેગરે ડીજે વગાડી બર્થડે ઉજવી ધમાલ મચાવી પરંતુ તેમાં પણ મેઘાણીનગર પોલીસે કોઇ જ કાર્યવાહી કરી ન હતી.

મેઘાણીનગરમાં અનુભવી પોલીસ અધિકારીઓના અભાવે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા છે. તાજેતરમાં બુટલેગરે રાત્રે ડીજે વગાડી છરા હાથમા લઇ પાર્ટી ઉજવી તેમાં છતાં કોઇ પુરાવા નથી કહીને પોલીસે કાર્યવાહી કરવા અંગે ગલ્લા તલ્લા કરવા લાગી હતી. તેવામાં મેઘાણીનગરનો કુખ્યાત ગુનેગાર ઓમપ્રકાશ ઉર્ફે રિંકુ શિવકુમાર પરીહાર, રવી, વિવેક યાદવ અને ટકલાએ મળી રવિવારે રાત્રે તલવાર અને ધોકા સાથે નિકળ્યા હતા. 20 જેટલા વાહનોના કાચ ફોડી નાખ્યા હતા અને રિક્ષા ચાલક ધર્મેન્દ્ર પરિહારને તલવાર મારી લૂંટી લીધો હતો અને ધમકી આપી હતી કે, જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું. અન્ય ત્રણ લોકોને પણ તલવારના ઘા મારતા તેઓ ભાગી ગયા હતા.

આ ટોળકી પર મેઘાણીનગર કા નયા ભાઇ આયા તેવો ટીકટોક વીડિયો બનાવ્યો હતો. આ વિડિયો વિસ્તારમાં વાઇરલ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોધ્યો પરંતુ આરોપીઓને ન પકડી શકતા પોલીસ શંકાના દાયરામાં આવી ગઇ હતી.

(12:49 am IST)