Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

અમદાવાદ: કલમ 144 સહિત પોલીસ કમિશ્નરના જાહેરનામાના અધિકારને હાઈકોર્ટમાં પડકારાયો

છેલ્લા ચાર વર્ષથી સતત 144ની કલમ શહેરમાં લગાવી રાખવી એ વ્યાજબી નથી : સરકારને સોગંદનામું કરવા આદેશ

અમદાવાદ : અમદાવાદમાં ચાર લોકોથી વધુ ભેગા થવા પર, સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવવાના મામલે હાઇકોર્ટમાં થયેલી પિટિશનના પગલે કોર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. 2016થી અમદાવાદ શહેરમાં એક દિવસ પણ એવો નથી કે જ્યારે શહેરમાં પોલીસ કમિશનરે બહાર પાડેલું જાહેરનામું અમલમાં ન હોય. 144ની કલમનો દુરુપયોગ વ્યાજબી નહીં હોવાનું કોર્ટનું અવલોકન છે. સતત 144ની કલમ લગાવેલી રાખવી એ લોકોમાં એવો સંદેશો મોકલે છે કે ગુજરાતમાં રહેવું સુરક્ષિત નથી.

 

         કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ સમય માટે 144ની કલમ લગાવાય તો એ હજુ પણ વ્યાજબી છે પણ છેલ્લા ચાર વર્ષથી સતત 144ની કલમ શહેરમાં લગાવી રાખવી એ વ્યાજબી નહીં હોવાનું કોર્ટનું પ્રાથમિક અવલોકન છે. અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામાને પડકારતી અરજીમાં કોર્ટે અવલોકન કર્યું છે. રાજ્ય સરકારને સોગંદનામું કરવા માટે હાઇકોર્ટે આદેશ કર્યો છે. સીઆરપીસીની કલમ 144 અને બોમ્બે પોલીસ એકટની કલમ 37ના શહેરમાં સતત અમલ સામે ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઈઆઈએમએ) અને અન્ય ચાર અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર આપ્યો છે.

(11:21 pm IST)