Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

૭મા પગારપંચ મુદ્દે વિજ કર્મચારીઓની ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલ

અમદાવાદ ખાતે મળેલી ઉર્જા સંકલન સમિતિની બેઠકમાં ગુજરાતના તમામ યુનિયનોએ લીધો નિર્ણય : ૧૫મીએ હડતાલની નોટીસ અપાશે

રાજકોટ તા. ૪ : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળ ની તમામ વિજ કંપનીઓના માન્ય યુનિયનો/ એસોસીએશનો દ્વારા અપાયેલ નોટીસ તા. ૧૫/૧૨/૨૦૨૦ રોજ જીયુવીએનએલ અને સરકાર શ્રી ને સાતમાં પગારપંચના હેઠળ મળવાપાત્ર આનુસંગિક લાભો/ ભથ્થાઓ તા ૧/૧/૨૦૧૬થી મળવાપાત્ર છે તેનુ ચુકવણુ હજુસુધી વિજકર્મચારીઓને મળેલ ન હોવાથી યુનિયનો/એસોસીએશનો દ્વારા તા. ૧૫/૧૨/૨૦૨૦ના રોજ આંદોલનની નોટિસના અન્વયે આગામી કાર્યક્રમોને સફળ બનાવવા ગુજરાતભરમાંથી તમામ યુનિયનો/એસોસીએશનોના ઉચ્ચ હોદેદારો ની મિટિંગ આજરોજ તા. ૩/૧/૨૦૨૧ના રોજ 'સૂરજ ફાર્મ અમદાવાદ' ખાતે યોજાયેલ. જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરી કોર કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે આગામી લડતના ભાગરુપે હડતાલ અંગેના કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવેલ તે મુજબ તમામ વિજકંપનીઓના ૫૫૦૦૦ વિજ કર્મચારીઓ આ લડતમાં સામેલ થશે.

આજની મિટિંગમાં આંદોલનની નોટિસ અન્વયે મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલ પત્ર નો જવાબ તમામ યુનિયનો/એસોસીએશનોના હોદેદારો દ્વારા સામુહિક સહીઓ કરી જીયુવીએનએલ મેનેજમેન્ટ ને પાઠવવાનું નક્કી કરેલ છે.

આગામી તારીખ ૧૬.૦૧.૨૦૨૧ થી પૂર્વયોજિત લડત ના કાર્યક્રમો યથાવત રાખવાનું નક્કી કરેલ છે તેમજ તમામ વિજ કંપનીઓના યુનિયનો/એસોસીએશનોના હોદેદારોને હડતાલના ભાગરુપે આગામી તા. ૨૧/૦૧/૨૦૨૧ ના રોજ ૫૫૦૦૦થી વધુ વિજ કર્મચારીઓ દ્વારા એક દિવસની સામુહિક સી.એલ (રજા) મુકવા અંગે કમીટીને જવાબદારી સોંપવામાં આવેલ છે, તેમજ આ લડતને સફળ બનાવવા સામુહિક રીતે પ્રયાસો કરવા નીર્ધાર કરેલ છે આમ સામુહિક રજા મુકી વિજ કર્મચારીઓ જીયુવીએનએલ સામે આંદોલાત્મક પગલા ભરી વિરોધ પ્રગટ કરી તા. ૦૧/૦૧/૨૦૧૬થી વિજ કર્મચારીઓને મળવાપાત્ર લાભો/ હક્કો એરિયર્સ સાથે તાત્કાલિક અસરથી ચુકવણુ કરવા માંગણી કરવામાં આવેલ છે.

જીયુવીએનએલ અને ઉર્જા વિભાગ દ્વારા ડીસેમ્બર ૨૦૧૯મા મંજુર કરેલ છે તે લાભો સત્વરે ચૂકવવા વિજકર્મચારીઓએ માંગણી કરેલ છે. સાથોસાથ ગુજરાતભરના તમામ વિજકંપનીઓના વીજ કર્મચારીઓ પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે, જો વિજકર્મચારીઓની માગણીઓ ને સત્વરે ન્યાય ન મળે અને લાભો વિજકર્મચારીઓને ન ચુકવાય તો આગામી તા. ૨૨/૦૧/૨૦૨૧ બાદ અચોકકસ મુદતની હડતાલ પર જવા તમામ યુનિયનો અને એસોસીએશનોના હોદ્દેદારો દ્વારા નક્કી કરવામાં આવેલ છે. તેમ ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના સંયોજક આર.બી.સાવલિયાની યાદીમાં જણાવાયું છે.

(3:29 pm IST)