Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ગુજરાત સરકાર માટે માથાના દુખાવારૂપ હેલ્મેટ કાયદા બાબતે રાજ્ય સરકારે સુપ્રીમમાં રજુ કર્યો ગોળગોળ જવાબ

કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારને પણ હેલ્મેટ કાયદા અંગે જરૂરી નિર્ણયો લેવાની છે સત્તા : કાયદાની જરૂરિયાત ઉભી થશે તો તેને ફરી ફરજીયાત લાગુ કરવામાં આવશે

ગાંધીનગર : ગુજરાતમાં હેલ્મેટ વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. ગુજરાત સરકારે સુપ્રીમમાં પોતાનો જવાબ રજૂ કરી દીધો છે. રાજયમાં કેન્દ્ર સરકારના આદેશ મુજબ ફરજીયાત હેલ્મેટ પહેરવાની ઝુંબેશ શરુ કરાઈ હતી. જોકે તેનો ભારે વિવાદ થતાં રૂપાણી સરકારે યુટર્ન લઈને શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજિયાત કરી દીધું હતું. સરકારે હેલ્મેટમાં રાહત આપ્યા બાદ સુપ્રિમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીએ સંજ્ઞાન લઈને રાજ્ય સરકારને આ મામલે જવાબ આપવા કહ્યું હતું. રૂપાણી સરકાર યુ ટર્ન લેવામાં જાણીતી છે પણ સરકારે સુપ્રીમમાં જે જવાબ આપ્યો છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે અમે કાયદાની મર્યાદામાં રહીને આ નિર્ણય લીધો છે. સરકારે કહ્યું હતું કે માર્ગ સલામતીના કાયદામાં રાહત આપવાનો તેમને અધિકાર છે. આ બતાવે છે કે સરકાર મનપાની ચૂંટણીઓ સુધી તો આ કાયદાને શહેરમાં ફરજિયાત નહીં કરે.

 
આમ આ મુદ્દે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામસામે આવી ગઈ છે. ભારતની સર્વોચ્ચ અદાલતે ગુજરાત રાજ્યની રૂપાણી સરકારને આ મામલે એક નોટિસ પાઠવી હતી. સર્વોચ્ચ ન્યાયાલયની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકારને સવાલો પૂછયાં કે હેલ્મેટ કાયદો મરજિયાત કઈ રીતે કર્યો અને કેમ કર્યો ?

 
કમિટીએ રાજ્યની સંવેદનશીલ સરકારના નિર્ણયને કડક શબ્દોમાં વખોડ્યો હતો અને આ મામલે વિચારવા અને જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. આજે સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકારે જવાબ આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારને પણ હેલ્મેટ અંગે જરૂરી નિર્ણયો લેવાની સત્તા છે.

 
સરકારે આ જવાબ રજૂ કરતા કહ્યું હતું અમે કાયદાની મર્યાદામાં રહીને આ નિર્ણય લીધો છે. સરકારે કહ્યું હતું કે માર્ગ સલામતીના કાયદામાં રાહત આપવાનો તેમને અધિકાર છે. જો રાજ્યમાં આ કાયદાની જરૂરિયાત ઉભી થશે તો તેને ફરી ફરજીયાત લાગુ કરવામાં આવશે તેવું સરકારે સુપ્રીમમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટ રોડ સેફ્ટી કમિટીએ ગુજરાત સરકારને નોટિસમાં તાત્કાલિક ધોરણે ફરી હેલ્મેટ ફરજિયાત કરવાનો આદેશ કર્યો છે અને લોકોના જીવના જોખમે છુટછાટ ન આપવા પણ સલાહ આપી હતી.

(3:33 pm IST)