Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

કન્સ્ટ્રકશન સ્ટ્રકચર તૂટી પડતાં એક મજુરનું મોત

રાજપથ ક્લબ નજીક બનેલી ઘટના

અમદાવાદ, તા.૪: રાજપથ કલબની પાછળ આવેલી કન્સ્ટ્ર્કશન સાઇટમાં બિલ્ડીંગ બનાવવા માટેનું સ્ટ્રકચર તૂટી પડતાં કેટલાક મજૂરો દટાયા હતા, જેમાં એક મજૂરનું કરૂણ મોત નીપજયું હતું. અન્ય ચાર મજૂરો ઘાયલ થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજપથ કલબની પાછળ આવેલી કોલોનેડ-૨ નામની કન્સ્ટ્ર્કશન સાઇટમાં બિલ્ડીંગ બનાવવા માટેનું સ્ટ્રકચર આજે અચાનક તૂટી પડયુ હતું. આ સ્ટ્રકચર પર ચઢીને સાતથી વધુ મજૂરો કલરકામ સહિતની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન આ સ્ટ્રક્ચર તૂટી પડતાં તમામ મજૂરો ઉંચેથી નીચે પટકાયા હતા. જેમાં એક મજૂરનું કરૂણ મોત નીપજયું હતુ. તો, અન્ય ચાર મજૂરોને પણ ગંભીર ઇજા થઇ હતી. જયારે એકાદ બેને સામાન્ય ઇજા થઇ હતી.

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, કન્સ્ટ્રકશન સાઇટના ડેવલપર અને બિલ્ડરોમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ત્યાં આવી પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને બનાવને લઇ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(10:19 pm IST)