Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સમગ્ર ભારતમાં પવન ઉર્જાના ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમે

સૌર ઉર્જાના ઉત્પાદનમાં ગુજરાતનો ૮ ટકા હિસ્સોઃ પીપાવાવમાં વિશ્વનો સૌથી મોટો ૧૦૦૦ મેગાવોટ પવન ઉર્જાની ક્ષમતા ધરાવતો ઓફશોર પ્લાન્ટ કાર્યાન્વિત કરાશે

અમદાવાદ,તા.૪: શેપીંગ અ ન્યૂ ઈન્ડિયા થીમ અંતર્ગત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – ૨૦૧૯માં નૂતન ભારતના નિર્માણ માટે ગુજરાતના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત થશે ત્યારે પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનનું ક્ષેત્ર આ વખતે રોકાણકારો માટે ઊર્જાવાન ક્ષેત્ર સાબિત થશે. સૌથી મહત્વની વાત એ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ર્વોમિંગની વૈશ્વિક સમસ્યાના સહિયારા ઉકેલ તરીકે વાતાવરણમાં કાર્બન ઉત્સર્જનને ઘટાડવા અને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરવા સમગ્ર વિશ્વને હાકલ કરી છે એટલું નહીં તેમના ઊર્જાવાન નેતૃત્વમાં ભારત દેશે આગામી ૨૦૨૨ના વર્ષ સુધીમાં ૧૭૫ ગીગા વોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. રાષ્ટ્રની આ પ્રતિબદ્ધતાને સાકાર કરવા ગુજરાતે મુખ્યમંત્રી વિજય રૂ.પાણીના સબળ નેતૃત્વમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે અંદાજે ૧૦૦ ગીગા વોટની ઉત્પાદન ક્ષમતાને પ્રાપ્ત કમર કસી છે. આ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહન મળવાનું છે ત્યારે સહાયકારી નીતિ અને વિશેષ પ્રોત્સાહનોને કારણે ગુજરાત આ ક્ષેત્રના રોકાણ માટે આદર્શ સ્થળ બની રહેશે. સમિટ – ૨૦૧૯માં આ વખતે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા *ગુજરાત અને ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રહેલી તકો* વિષય પર તારીખ ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો હેતુ ન્યૂ ઈન્ડિયાના નિર્માણમાં પુનઃપ્રાપ્ય ઊર્જાની ભૂમિકા અંગે વિચાર-વિમર્શ કરવાનો છે. કેન્દ્ર સરકારના નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના સચિવ આનંદ કુમાર ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપશે. સેમિનારના માધ્યમથી નીતિ નિર્માતાઓ, વ્યાપાર જગતના વિશ્લેષકો, પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષણકારોને વિશ્વભરના નીતિ નિર્માતાઓ અને વેપાર જગતના નિષ્ણાતોને સાંભળવાની તેમજ વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક સાંપડશે.

ઈન્ટરનેશનલ સોલર એલાયન્સના ડિરેક્ટર જનરલ ઉપેન્દ્ર ત્રિપાઠી ભારતમાં સૌર શક્તિના વિકાસ અંગે રહેલી તકો પર પોતાના મંતવ્ય રજૂ કરશે. જ્યારે કેન્દ્ર સરકારના નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના સચિવ આનંદ કુમાર પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રહેલી નવીન તકો તેમજ રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં વિવિધ મુદ્દાઓ વિશે પોતાનું સંબોધન કરશે. સૌથી મહત્વની વાત એ છે કે, વિશ્વના ૧૨૧ દેશો ધરાવતા ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ રચવામાં ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારત સરકારના નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયે પેરિસ ક્લાયમેટ  સમજૂતી મુજબ વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશમાં ૧૭૫ ગીગા વોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરવાનું જે લક્ષ્ય રાખ્યુ છે તેને સમયમર્યાદા પહેલાં પહોંચી વળવા આયોજન કર્યુ છે એટલું જ નહીં વર્ષ ૨૦૨૨ સુધીમાં ૨૨૭ ગીગા વોટનું ઊર્જા ઉત્પાદન કરવાનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. જેના કારણે ભારતમાં અક્ષય ઊર્જાના ઉત્પાદન માટે મોટી તક ઊભી થશે. આ ઉપરાંત ભારતે કાર્બન ઉત્સર્જનમાં ૩૫ ટકા ઘટાડો કરવાનું જે લક્ષ્ય રાખ્યું છે તેને સિદ્ધ કરવા માટે વર્ષ – ૨૦૩૦ સુધીમાં દેશની કુલ વીજ જરૂ.રિયાતના ઓછામાં ઓછી ૪૦ ટકા વીજળી પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોના માધ્યમથી ઉત્પન્ન કરવાની જરૂ.રિયાત ઉભી થશે જે આ ક્ષેત્રે રોકાણની વિસ્તરતી ક્ષિતિજને દર્શાવે છે.

(10:00 pm IST)