Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અમદાવાદના પ્રહલાદનગરમાં હોટલ પ્લેટિનિયમ રેસિડેન્‍સીમાં વાસણ ધોવાનું કામ કરતા બાળ મજુરનું લિફ્ટમાં કચડાઇ જવાથી મોત

અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર પ્રહલાદનગરમાં આવેલી હોટેલ પ્લેટિનિયમ રેસિડેન્સીમાં વાસણ ધોવાનું કામ કરતા 13 વર્ષના બાળ મજૂરનું લિફ્ટમાં કચડાઈ જવાથી કરુણ મોત થયું છે. કિચનમાંથી જમવાનું તેમજ અન્ય વસ્તુઓ ઉપરના ભાગે લઈ જવા વપરાતી લિફ્ટમાં મેહુલ નામનો આ બાળ મજૂર દીવાલ અને લિફ્ટની વચ્ચે આવી જતાં તેનું માથું કચડાઈ ગયું હતું.

છ મહિનાથી હોટેલમાં કામ કરતો હતો

મૂળ ડુંગરપુરનો નિવાસી મેહુલ મીણા વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આવેલી લક્ષ્મીકૃપા સોસાયટીમાં રહેતો હતો. છેલ્લા છ મહિનાથી હોટેલમાં વાસણ ધોવાનું તેમજ હેલ્પર તરીકે કામ કરતા મેહુલને મહિને છ હજાર રુપિયા પગાર મળતો હતો. 1 જાન્યુઆરીએ જ પોતાનો બર્થડે ઉજવનારા મેહુલનું બે દિવસ બાદ જ કરુણ મોત થયું હતું.

સાડા નવની આસપાસ બની ઘટના

ગુરુવારે સવારે છ વાગ્યે હોટેલ પહોંચેલા મેહુલે પોાતનું કામ શરુ કરી દીધું હતું, અને સાડા નવ વાગ્યાના અરસામાં હોટેલના કિચનમાં કોઈ વસ્તુ ચકદાઈ ગઈ હોય તેવો ભયાનક અવાજ આવ્યો હતો. લિફ્ટ પાસે દોડી આવેલા સ્ટાફે જ્યારે મેહુલના મૃતદેહને દીવાલ અને લિફ્ટની વચ્ચે લટકતો જોયો ત્યારે સૌ કોઈ ફફડી ગયા હતા.

પોલીસે કેસ દાખલ કર્યો

મેહુલનું માથું ભયાનક રીતે કચડાઈ ચૂક્યું હતું, અને તેનું ત્યાં જ મોત થઈ ગયું હતું. હોટેલના પહેલા માળ અને ગ્રાઉન્ડ ફ્લોરની દીવાલ તેમજ કીચનનો ફ્લોર પણ પણ લોહી ફેલાઈ ગયું હતું. જોકે, આ ઘટના સવારે બની હોવા છતાં પોલીસને તેની માહિતી છેક બપોરે આપવામાં આવી હતી. પોલીસે આ મામલે હોટેલના માલિક અને મેનેજર સામે કલમ 304 તેમજ બાળ મજૂરીનો ગુનો દાખલ કરી કેસ નોંધ્યો છે.

લિફ્ટમાં કઈ રીતે ફસાયો?

મેહુલ લિફ્ટ અને દીવાલ વચ્ચે કઈ રીતે આવી ગયો તે અંગે પોલીસને બે શક્યતા લાગી રહી છે. વાસણ ધોતો મેહુલ કૂતુહલવશ નીચે જોતો હશે, અને તે દરમિયાન જ લિફ્ટ આવી જતાં તે દીવાલ અને લિફ્ટની વચ્ચે કચડાઈ ગયો હશે, અથવા તે લિફ્ટમાં બેઠો હશે, પરંતુ બેલેન્સ ગુમાવતા તે પડ્યો હશે તેમ પોલીસનું માનવું છે. જોકે, સીસીટીવી ન હોવાથી પોલીસને ચોક્કસ માહિતી નથી મળી શકી.

નાનપણમાં પિતા ગુમાવ્યા હતા

બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલા મેહુલનો મોટો ભાઈ અને માતા લોકોના ઘરમાં કામ કરે છે. જોકે, મેહુલ ઘરમાં સૌથી વધુ કમાતો હતો. પરિસ્થિતિ સારી ન હોવાથી તેને ભણવાનું છોડવું પડ્યું હતું, અને મેહુલની માતાએ જ તેને હોટેલમાં કામે લગાડ્યો હતો. મેહુલની માતાને જ્યારે આ ઘટના અંગે જાણ થઈ ત્યારે તે હોટેલ ધસી ગઈ હતી. તે મેહુલનો ચહેરો જોવા કગરી રહી હતી, પરંતુ તે સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો.

(5:25 pm IST)