Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ચોરીનો સિલસિલો યથાવત રહેતા વધુ સીસીટીવી કેમેરા ફિટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

ગાંધીનગર: સિવિલ હોસ્પિટલમાં દરરોજ પાંચ થી સાત હજાર વ્યક્તિઓ આવતાં જતાં હોય છે ત્યારે તમામની સુરક્ષા અને સલામતી ખુબજ જરૂરી છે. મેડીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન પ્રમાણે તાજેતરમાં ફાયર ઓફીસર સહિત સ્ટાફની ભરતી કરવામાં આવી છે ત્યારે છેલ્લા ઘણા વખતથી સિવિલ સંકુલમાં થતી ચોરીઓ સત્તાધીશો માટે શિરદર્દનો વિષય બની ગઈ હતી. જેને લઈને હવે સિવિલની અંદર અને બહારની બાજુ કુલ મળીને ૧૦૦ જેટલા સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવનાર છે. જેનાથી સ્ટાફ ઉપર પણ નજર રાખી શકાશે

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વખતથી ચોરીના બનાવો વધી રહયા છે. દર્દી અને તેમના સગાઓ ઉપરાંત સ્ટાફ નર્સના પાકીટ, મોબાઈલ અને કીંમતી ચીજવસ્તુઓ પણ સલામત નથી તો સંકુલમાં પાર્ક કરેલા વાહનોની લગભગ દરરોજ ચોરી થાય છે તેવા સંજોગોમાં સિવિલની સલામતી વ્યવસ્થા ખાડે ગઈ છે. આવી સ્થિતિમાં સિવિલમાં સિક્યોરીટી ગાર્ડ વધારવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી હતી તો બીજી બાજુ સમગ્ર સંકુલને સીસીટીવી કેમેરાથી રક્ષિત કરવાના પ્રયત્નો પણ ચાલી રહયા છે. મેડીકલ કાઉન્સિલની ગાઈડલાઈન પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવામાં આવી છે. ખાસ ઓપીડીમાં તેમજ પાર્કીંગ તથા લોબીમાં સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે તો બીજી બાજુ જ્યાં પણ નવા વોર્ડ કે વિભાગ બન્યા છે તેવી જગ્યાએ પણ સીસીટીવી કેમેરા નહોતા જેથી ત્યાં પણ નવા કેમેરા ફીટ કરવામાં આવી રહયા છે

(5:15 pm IST)