Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

યુવતીને ડ્રેસ રિપ્લેસ ન કરી આપવાનું વડોદરાના બુટિકવાળાને મોંઘું પડયું : થયો ભારે દંડ

બુટિકની એક ગ્રાહકે મોંઘો પંજાબી ડ્રેસ ખરીદ્યો હતો જે વરસાદમાં સંકોચાઇ જતા ટાઇટ થઇ ગયો હતો

વડોદરા તા. ૪ : રાવપુરામાં એક બુટિકના માલિકને સપનેય ખ્યાલ નહતો કે સાત વર્ષ પહેલા પડેલો કમોસમી વરસાદ તેને આજે પરેશાન કરશે. બુટિકની એક ગ્રાહકે મોંઘો પંજાબી ડ્રેસ ખરીદ્યો હતો જે વરસાદમાં સંકોચાઈ જતા ટાઈટ થઈ ગયો હતો. ગ્રાહક વૈશાલી ચૌહાણે બુટિકવાળાને ડ્રેસ બદલી આપવા કહ્યું હતું પણ દુકાનદારે આ વાત માની નહતી. વૈશાલી ચૌહાણે ત્યાર બાદ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં દુકાનદાર વિરૂદ્ઘ કેસ દાખલ કર્યો હતો. હવે કોર્ટે ૯ ટકા વ્યાજ સાથે ડ્રેસની કિંમત ગ્રાહકને પાછી આપવા જણાવ્યું છે.

ચૌહાણે ૧૯ નવેમ્બર ૨૦૧૦ના રોજ એક લગ્ન માટે ૩૫૦૦ રૂપિયામાં ડ્રેસ ખરીદ્યો હતો. એ જ દિવસે અચાનક વરસાદ પડતા તે પલળી ગઈ હતી. ઘરે પહોંચતા ચૌહાણને ખ્યાલ આવ્યો કે ડ્રેસ સંકોચાઈ ગયો છે. આથી ૨૧ નવેમ્બર ૨૦૧૦ના રોજ તે બુટિકમાં ડ્રેસ પાછો આપવા ગઈ હતી. માલિકે એ સમયે ડ્રેસનો બીજો પીસ તેમની પાસે ન હોવાથી બાદમાં ડ્રેસ બદલી આપવાનું વચન આપ્યું હતું. ઓનરે ગ્રાહકને વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું અને તેની પાછળ રીસીટ અને કિંમતનો ઉલ્લેખ કરીને ડ્રેસ રિપ્લેસ કરી આપવા જણાવ્યું હતું.બુટિકે એક મહિના સુધી ગ્રાહકને ધક્કા ખવડાવ્યા બાદ ચૌહાણે તેમને નોટિસ ફટકારી હતી અને વડોદરા જિલ્લાની ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો સંપર્ક કર્યો હતો. બુટિકના માલિકે સ્વીકાર્યું કે તેણે ચૌહાણને ડ્રેસ વેચ્યો હતો પણ દલીલ કરી કે વરસાદને કારણે થયેલા નુકસાન માટે તે જવાબદાર ન ગણી શકાય. તેણે વધુમાં કહ્યું કે ડ્રેસના ઉત્પાદકે એવો બીજો પીસ ન આપ્યો હોવાથી તે રિપ્લેસમેન્ટ માટે જવાબદાર ગણાય નહિં. બુટિકે એમ પણ કહ્યું કે ડિસ્પ્લે બોર્ડમાં સ્પષ્ટ લખ્યું છે કે કલર, જરી અને ડ્રેસ મટિરિયલ માટે કોઈ ગેરન્ટી આપવામાં આવતી નથી.

દુકાનદારે જણાવ્યું કે ચૌહાણના આગ્રહને વશ થઈને તેણે વિઝિટિંગ કાર્ડની પાછળ રિપ્લેસમેન્ટનું લખ્યું હતું. જો કે ફોરમે નોંધ્યું કે સંજોગો એવા હતા કે ચૌહાણને રિપ્લેસમેન્ટની ખાતરી આપ્યા બાદ દુકાનદાર ફરી ગયો હતો. ડ્રેસની કિંમત ૩૫૦૦ રૂપિયા હોવા છતાંય તેની ગુણવત્તા સારી નહતી જે યોગ્ય ન ગણાય.

(3:22 pm IST)