Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ગુજરાતી ગીત-ગઝલ-સુગમ સંગીત સ્પર્ધાનો કાલે ગ્રાન્ડ ફિનાલેઃ હોદેદારોની વરણી

સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા વોરા વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આયોજન

રાજકોટઃ તા.૪, ફિલ્મી ગીતોના કાર્યક્રમો અને સ્પર્ધાઓ અનેક વખત યોજાતા હોય છે. પરંતુ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જાળવવા ગુજરાતી ભાષાના ગીતો-ગઝલ કે સુગમ સંગીત ક્ષેત્રે બહુજ ઓછા પ્રયોગો થાય છે. રાજકોટમાં આ પ્રકારે એક નવીનતમ પ્રયોગ થયો છે. ગુજરાતી ગીતો, ગઝલ અને સુગમ સંગીતની સ્પર્ધા સૌપ્રથમ વખત યોજાઇ છે. ૧૦૦ કરતા વધારે સ્પર્ધકોએ ભાગ લઇને ઓડીશન તથા સેમીફાઇનલની હરીફાઇ પુર્ણ કરી છે હવે  આવતીકાલે તા.૫મીના શનિવારે ફાઇનલ સ્પર્ધા (ગ્રાન્ડ ફિનાલે) રાજકોટમાં યોજાવાની છે.

સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા વોરા વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલી આ સ્પર્ધામાં પાછલા બે રવિવાર સુધી શૈલેષભાઇ પંડયાના લાઇવ ઓરકેસ્ટ્રામાં ઓડીશન અને સેમીફાઇનલ યોજાઇ ગયા હવે કાલે શનિવારે રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં રાત્રે ૮ વાગ્યે  ફાઇનલ સ્પર્ધા યોજાશે.

 ફાઇનલ સ્પર્ધામાં ઓથોપેડીક સર્જન ડો. રૂપેશભાઇ મહેતા, ફીઝીશીયન ડો. નિશિથભાઇ વ્યાસ, ગેસ્ટ્રો સર્જન ડો. અમિતભાઇ આચાર્ય, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થભાઇ ખત્રી, મુકેશભાઇ દોશી હાજર રહેશે.

સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  સિઝન્સ સ્કવેર કલબ પણ કલાને મંચ આપવા તથા સામાજીક સેવા માટે ચલાવવામાં આવે છે. ૨૦૧૯ના વર્ષના નવા હોદેદારોની શપતવિધિનો કાર્યક્રમ પણ આ તમે યોજવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા નવા વર્ષના સભ્યોની નોંધણી તથા વધુ વિગતો માટે મો.૯૮૨૫૩ ૫૯૨૨૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:06 pm IST)