Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ક્રાઇમ બ્રાન્ચની સ્પે.ઇન્વેસ્ટીગેશન ટીમ અને મૂળ રાજકોટના વતની ભગીરથસિંહ વી. ગોહીલના શાણપણથી શંકાના વાદળો દુર થયા

નારાજ પરિવાર ગુજરાત છોડવા, મૃતદેહ ન સ્વીકારવા તથા સુસાઇડ નોટ માટે આરટીઆઇ કરવા તૈયાર થઇ ગયું હતું : નામ જોગની સુસાઇડ નોટ મરણોતર નિવેદન ગણાય તેવા અકિલાના અહેવાલને ટોચના અધિકારીઓએ સમર્થન આપ્યું

રાજકોટ, તા., ૪: સમગ્ર ગુજરાતમાં  ચકચાર જગાવનાર કરાઇ પોલીસ એકેડેમીમાં  ફરજ બજાવતા ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી અનેક કહેવાતી અઘટીત માંગણીથી  જીવન ટુંકાવનાર પીએસઆઇ દેવેન્દ્રસિંહ  રાઠોડના પરીવારે અંતે ૭ર કલાક પછી મૃતદેહનો સ્વીકાર કર્યો. આવો ન્યાય અપાવવામાં રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા, પોલીસ કમિશ્નર એ.કે.સિંહ અને ક્રાઇમ બ્રાન્ચના અનુભવીઓની રચાયેલી સીટ અને ખાસ કરીને ભગીરથસિંહ વી.ગોહીલની કુનેહ અને કોઠાસુઝ કામ કરી ગઇ હતી.

ક્રાઇમ બ્રાન્ચ અને સીટના સભ્યો મૃતકના પરીવારમાં વિશ્વાસનું વાતાવરણ રચી શંકાના વાદળો દુર કરવા કોમ્પ્યુટર અને પ્રિન્ટર જેવા સાધનો લઇ પહોંચ્યા હતા અને સ્થળ પર જ આરોપી ડીવાયએસપી એન.પી.પટેલ સામે દુષ્પ્રેરણા અને સૃષ્ટિ વિરૂધ્ધના કહેવાતા આરોપ અંગે ગુન્હો દાખલ કરી જે ફરીયાદ નોંધી હતી તેની નકલ પણ સ્વ. પીઆઇના પરીવારને આપી હતી.

અત્રે યાદ રહે કે આ અગાઉ તપાસ કરનાર પોલીસ અધિકારીઓએ એફઆઇઆરની નકલ આપવા ઇન્કાર કરવા સાથે સુસાઇડ નોટના એફએસએલ રિપોર્ટ બાદ જ કાર્યવાહી કરવાનું જણાવતા મૃતક પીએસઆઇનો પરીવાર ખુબ જ નારાજ થયેલ અને મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરવા સાથે  સુસાઇડ  નોટ મેળવવા  માટે આરટી આઇ કરવા પણ જાહેરાત કરી હતી.  અત્રે યાદ રહેકે મૃતક પીએસઆઇના પરીવારના લોકો લશ્કરમાં પણ લાંબો સમય ફરજ બજાવી દેશભકિત દાખવી છે. આવા પરીવારે અન્યાયની લાગણીઅનુભવી એક તબક્કે ગુજરાત છોડી જવા પણ ચિમકી ઉચ્ચારી હતી. આવા વાતાવરણ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચની સીટ અને ખાસ કરીને મૂળ રાજકોટના વતની ભગીરથસિંહ વી.ગોહીલે કાઠીયાવાડી શાણપણ દાખવતા સમગ્ર મામલે આશંકાના વાદળો દુર થઇ વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું.

અત્રે યાદ રહે કે બનાવના પ્રથમ દિવસેજ  અકિલાએ સુસાઇડ નોટ કે જેમાં આરોપીના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છેતે સુપ્રિમ કોર્ટના નિયમ મુજબ મરણોતર નિવેદન ગણાય તેવું કાયદેઆઝમો સાથે ચર્ચા અંતેે જણાવ્યું હતું. ઉચ્ચ પોલીસ સુત્રોએ આ વાતને સમર્થન પણ આપ્યું છે.

(3:03 pm IST)