Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સરકારી કોલેજોની સંખ્યામાં ૨૨.૪ ટકા સુધી ઘટાડો થયો

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના સ્તરની વાસ્તવિક સ્થિતિ : ખાનગીમાં ૨૦.૨ ટકાનો વધારો : પાછલા કેટલાક વર્ષોમાં ખાનગી સંસ્થાઓનું વર્ચસ્વ વધ્યું : શિક્ષણને લઇને ધડાકો

અમદાવાદ,તા. ૩ : છેલ્લા સાત વર્ષમાં દેશમાં ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતનો હિસ્સો ૨૨.૪ ટકા ઘટયો હોવાનું સામે આવ્યું છે, જયારે એથી વિપરીત, ખાનગી ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતનો હિસ્સો ૨૦.૨ ટકા જેટલો વધતાં દેશમાં સૌથી ગ્રોથ નોંધાવનારું રાજય બન્યું છે.નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ એજયુકેશનલ પ્લાનીંગ એન્ડ એડમીનીસ્ટ્રેશન (એનઆઈઈપીએ)ના રિપોર્ટમાં આ વાત જણાવાઈ છે.રિપોર્ટ મુજબ, ૨૦૧૧માં ગુજરાતમાં સરકારી અને ખાનગી બન્ને મળી ૧૬૬૪ ઉચ્ચતર શિક્ષણ સંસ્થાઓ હતી. ૨૦૧૬-૧૭માં આ આંકડો વધી ૨,૦૦૩ થયો હતો. એમાંથી ૬૬ ટકા સંસ્થાઓ ખાનગી હતી. વિચિત્રતા એ છે કે ખાસ કરીને ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે વધી રહેલી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ આજે અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. ૨૦૧૮માં એન્જીનીયરીંગ અને ટેકનીકલ કોર્સીસમાં ૫૪ ટકા સીટો ખાલી રહી હતી. સીટો ખાલી રહેવા પાછળ સરકારી સહાયથી ચાલતી શાળા-કોલેજોની સંખ્યામાં ઘટાડો, મોંઘા શિક્ષણ અને બદલાતા શૈક્ષણિક પ્રહારો મુખ્ય કારણો છે. હાયર અને ટેકનીકલ એજયુકેશન વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અંજુ શર્માના જણાવ્યા મુજબ સરકાર વધુ વિજ્ઞાન અને આર્ટસ કોલેજ ઉમેરી રહી છે. ઉચ્ચતર શિક્ષણમાં સરકારનો હિસ્સો વધે એ માટે ડિવીઝનો (વર્ગો)ની સંખ્યામાં પણ વધારો કરાઈ રહ્યો છે. એક તાલુકા, એક કોલેજ સ્કીમનો અમલ થઈ રહ્યો છે. અમે નોન-ટેકનીકલ વિષયો માટે ૬૦૦ અને ટેકનીકલ કોલેજો માટે ૭૫૦ શિક્ષકોની ભરતી કરી રહ્યા છે.ઉચ્ચતર શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓને પ્રાપ્ય તકો બાબતે રિપોર્ટમાં જણાવાયું છે કે, ગુજરાતમાં ૧૮થી૨૩ વયજૂથની ૧ લાખની વસ્તીદીઠ ૩૦.૫ ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓ છે. કુલ વસ્તીના એ ૫.૦૯ ટકા થવા જાય છે.  આ દ્રષ્ટીએ ગુજરાતનો ક્રમ દેશમાં ૧૬મો છે. તેલંગણામાં ૧૮-૨૩ વયજૂથની ૧ લાખની વસ્તીએ ૫૬૫ સંસ્થાઓ અને એ પછી કર્ણાટક (૫૧.૩૬) તથા પુડુચેરી (૬૨.૭)નો ક્રમ આવે છે. ગુજરાત સેલ્ફ ફાયનાન્સ્ડ કોલેજીસ મેનેજમેન્ટ એસોસીએશનના પ્રેસીડેન્ટ નેહલ શુકલએ જણાવ્યું હતું કે, ટેકનીકલ કોર્સીસમાં ૫૪ ટકા બેઠકો ખાલી છે. એ સૂચવે છે કે સરકારે ટેકનીકલ ક્ષેત્રે વધુ સ્વનિર્ભર કોલેજો શરુ કરવા પરવાનગી આપવી ન જોઈએ. આર્ટસ અને કોમર્સ કોર્સીસમાં ડિમાન્ડ વધુ છે. ૭૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ એ જ પસંદ કરે છે. આ સમગ્ર ચિત્ર જોતાં હવે રાજય સરકારે પુખ્ત વિચારણા કરી જરૂરી નિર્ણયો લેવા જોઇએ.

 

(7:51 pm IST)