Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ : હવામાનમાં પલ્ટો

નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૧.૫ ડિગ્રી રહ્યું : અમદાવાદમાં તાપમાનમાં વધારો થયો હોવા છતાંય ઠંડી

અમદાવાદ, તા.૩ : દક્ષિણ પશ્ચિમ અરેબિયન દરિયા પર ડિપડિપ્રેશનની સ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે જેના પરિણામ સ્વરુપે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થયો હતો. જુનાગઢ, પોરબંદર અને અન્ય કેટલાક પંથકોમાં વરસાદ નોંધાયો હતો. કેશોદમાં પણ વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. દક્ષિણ પૂર્વ અરેબિયન દરિયામાં લો પ્રેશર વિસ્તારની અસર દેખાઈ રહી છે. આજે રાજ્યના સૌથી વધારે ઠંડા વિસ્તારોમાં ગણવામાં આવે તો નલિયામાં ૧૧.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું જ્યારે અમદાવાદમાં પારો ૧૯.૩ અને ડિસામાં ૧૪.૮ ડિગ્રી રહ્યો હતો. અમદાવાદમાં ફરીએકવાર લઘત્તમ તાપમાનમાં વધારો થયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન વધીને ૧૧.૫ ડિગ્રી અને કંડલાએરપોર્ટ ખાતે ૧૫.૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ડિસામાં ૧૪.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ પ્રકારનું વાતાવરણ હાલ થોડાક દિવસ અકબંધ રહે તેવી શક્યતા છે. અમદાવાદમાં પણ સવારમાં ઠંડીનો ચમકારો હવે અનુભવાઈ રહ્યો છે. સવારમાં લોકો હવે ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.  મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.  ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન લગભગ યથાવત રહ્યું છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૯.૩

ડિસા

૧૪.૮

ગાંધીનગર

૧૯.૨

વડોદરા

૨૦.૨

સુરત

૨૪.૨

વલસાડ

૨૧.૧

ભાવનગર

૨૨.૬

પોરબંદર

૨૨

રાજકોટ

૧૯.૭

સુરેન્દ્રનગર

૧૯

મહુવા

૨૧.૫

ભુજ

૧૫.૪

નલિયા

૧૧.૫

કંડલા એરપોર્ટ

૧૫.૭

 

 

 

(10:02 pm IST)