Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ચહેરાની થશે જાહેરાત: કાલથી કેજરીવાલ પાંચ દિવસની મુલાકાતે

અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે.

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. જેની માટે ચૂંટણી પંચે મતદાનની તારીખો પણ જાહેર કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી માટે સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. શુક્રવારથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની પાંચ દિવસની મુલાકાતે આવશે. ગુજરાત પ્રવાસના પહેલા દિવસે એટલે કે 4 નવેમ્બરે અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે.

કેજરીવાલે લોકોને અપીલ કરી હતી કે તેઓ પંજાબની જેમ જ લોકોનો અભિપ્રાય મેળવીને ગુજરાત ચૂંટણીમાં AAPના સીએમ ઉમેદવાર ચહેરાને પસંદ કરશે. આ માટે પાર્ટીએ હેલ્પલાઈન નંબર અને ઈમેલ આઈડી પણ જાહેર કર્યા હતા. એવું માનવામા આવી રહ્યું છે કે લોકોની પ્રતિક્રિયા અને પસંદગીના આધારે જ કેજરીવાલ મુખ્યમંત્રી પદ માટે ચહેરાની જાહેરાત કરશે.

5 નવેમ્બરથી 8 નવેમ્બર સુધીના ચાર દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 11 જેટલા રોડ શો કરશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની તમામ 182 સીટો પર વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા મહિનાઓથી પાર્ટી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે.અરવિંદ કેજરીવાલ અને આપના અનેક નેતાઓ ગુજરાતનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. તેમજ આગામી દિવસોમાં પણ આવશે

(11:26 pm IST)