Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુરના ૪૩ મા પાટોત્સવમાં ભક્તોનો મહેરામણ મન મૂકીને ઝૂમ્યો:

પંચમ દિવસીય સંસ્કાર સેતુ કાર્યક્રમો યોજાયા: માનવસેવા અભિયાન અંતર્ગત વિધવા ત્યકતા બહેનોને સિલાઈ મશીન અને છાત્રોને સ્કોલરશીપ વિતરણ...

ગરવા ગુજરાતના પૂર્વમાં પંચમહાલ જિલ્લાના મુખ્ય તાલુકાઓમાંથી એક ગણવામાં આવતા અને લુણાવાડા-ગોધરા માર્ગ પરનું વ્યાવસાયિક અને સામાજિક કેન્દ્ર શહેરામાં વાઘજીપુર ગામ આવેલું છે. આ ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આજથી ૪૩ વર્ષ પહેલાં સ્વામિનારાયણબાપા આદિ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. હજ્જારો મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું પરમ કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુરમાં આજે વહેલી સવારથી જ હરિભક્તોનો સંઘ આવવા લાગ્યો હતો અને ૮:૩૦ વાગ્યા સુધીમાં તો સમગ્ર ભક્ત મહેરામણથી મંદિરનું પટાંગણ નાનું પાડવા લાગ્યું હતું. હજ્જારો હરિભક્તોનો સમુદાય ભક્તિરસમાં ગુલતાન થઇ પ્રભુ મસ્તીમાં - દિવ્યાનુભુતીમાં રાચતો દીસતો હતો.

પ્રાત:કાલીન ભક્તિસભર વાતાવરણમાં સમય થયે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો ષોડશોપચાર વિધિથી પાટોત્સવ, અષ્ટોત્તર શતનામથી પુષ્પાંજલિ અર્પણ, અન્નકૂટ, નિરાજન વગેરે સુસંપન્ન થયા બાદ સહુ કોઈ સભામાં યથાસ્થાને બેઠા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ અને અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણના યજમાનોએ શ્રીઠાકોરજી, ગ્રંથ, આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા વક્તાનું પૂજન કરી પારાયણ પૂર્ણાહુતિની આરતી ઉતારી હતી. ત્યારબાદ હકડેઠઠ સભામાં બેઠેલા શ્રોતાજનો પર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદની હેલી વહાવી તરબતર કર્યા હતા. આ પાવન અવસરે શ્રી ગુરુગોવિંદ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો. મહેન્દ્ર કે. પાડલીયા તથા કોમર્સ કોલેજ ગોધરાના પ્રિન્સિપાલશ્રી ડો. હસન સાહેબ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિશ્રીએ આ અવસરે શબ્દપુષ્પાંજલિ અર્પણ કરી કૃતકૃત્યતા અનુભવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, માનવ સેવા અભિયાન અંતર્ગત વિધવા, ત્યકતા બહેનોને સિલાઈ મશીનો તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કાલેજના છાત્રોને સ્કોલરશીપના ચેક અર્પણ કરાયા હતા. તેમજ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારનું યથાયોગ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું. સભાના અંતમાં સમગ્ર સભાજનો વતી પૂજનીય સંતોએ મરીનો તેમજ હજારી ગલગોટાના પુષ્પોનો વિશાળ હાર અર્પણ કર્યો ત્યારે સમગ્ર સંતો-ભક્તો ભક્તિના તાલે ઝૂમી ઉઠ્યા હતા, ત્યારે એવું દીસતું હતું કે જાણે ભક્ત મહેરામણ ઊલટ્યોહોય ને શું!!!!

(3:35 pm IST)