Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

વિશ્વમાં પ્રથમ વખત ધર્મગ્રંથ લેસર ટેકનોલોજીથી ટાઇટેનિયમ પ્લેટમાં કંડારાયોઃ તા.૨૦મીએ સમર્પણ

સ્વામિનારાયણ સંપ્રદાયના હરિચરિત્રામૃતસાગર ગ્રંથમાં ૨૯ પ્રકરણો,૬૧૦૬૯ ચોપાઇઓ, ૨૦૪૯૪ દોહાઃ જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાઃ તા.૧૫-૧૬ વડોદરાથી વડતાલધામ ભવ્ય સાગર સમર્પણ પદયાત્રા

રાજકોટ તા.૩: શ્રીસ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત સદ્ગુરૂ શ્રીઆધારાનંદ સ્વામીએ ૫૯ વર્ષની ઉંમરે વડતાલધામમાં સં.૧૯૧૪ જેઠ સુદ-૮ના દિવસે શ્રીહરિચરિત્રામૃત સાગર ગ્રંથ લખવાનો આરંભ કર્યો. પરમાત્માની પ્રેરણાથી સ્વામીશ્રી દોહા, ચોપાઇ, સોરઠા વગેરે છંદોમાં આ ગ્રંથ ગૂંથતા ગયા. સાગર જેવા વિશાળકાય આ ગ્રંથના પ્રકરણનું નામ સ્વામીએ પૂર આપ્યું અને અધ્યાયનુ નામ તરંગ રાખ્યું. એક પછી એક તરંગ અને પૂરો રચાતા ગયા. આ શ્રીહરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં પૂર્તિસહ કુલ ૨,૪૦૯ તરંગ અને અને ૨૯ પૂર છે. જેમાં ગણના કરીએ તો ૬૧,૦૬૯ ચોપાઇઓ છે, ૨૦,૪૯૪ દોહા છે, ૨૦,૩૮૧ સોરઠા છે અને ૬૦૭ હરિગીત, ત્રિભંગી જેવા અન્ય છંદો છે. આ રીતે ૧,૨૦,૫૫૧ ઉપરાંત દોહા-ચોપાઇ વગેરે છંદોમાં રચાયેલો વિશ્વમાં હિન્દી સાહિત્યનો સ્વામિનારાયણ સંપ્રદાયનો આ સહુથી મોટો ગ્રંથ છે.

ભારતીય સંસ્કૃતિના સેતુને રચતો આ ગ્રંથ વર્ષો સુધી ગ્રંથકાર આધારાનંદસ્વામીના હસ્તાક્ષરમાં સુરક્ષિત રહે, એવા હેતુથી શ્રીસ્વામિનારાયણ મંદિર કુંડળધામ તથા વડોદરા કારેલીબાગ મંદિર દ્વારા જંગી ખર્ચે નિષ્ણાંત, વ્યકિતઓ દ્વારા ટીઇટેનિયમ ધાતુના પતરામાં તૈયાર કરવામાં આવ્યો. વડતાલધામ સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્રસ્થાન છે. તેથી ટીટેનિયમ ધાતુમાં તૈયાર થયેલ આ ગ્રંથ આગામી તા.૨૦-૧૧-૨૦૧૮ મંગળવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે વડતાલધામને સમર્પણ કરવામાં આવશે. ટાઇટેનિયમમાં ધર્મગ્રંથ કંડારરાયાની પ્રથમ ઘટના હોવાનું સંતોનું માનવુ છે કાગળના પ્રસ્તકની જેમ ટાઇટેનિયમ પ્લેટથી ગ્રંથ બનાવાયો છે

આ નિમિતે તા.૧૫-૧૬ નવેમ્બરના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર વડોદરા કારેલીબાગથી ભવ્ય સાગર સમર્પણ પદયાત્રા યોજાશે. આ પદયાત્રામાં ટીટેનિયમ ધાતુમાં તૈયાર થયેલ ગ્રંથને સુંદર રથમાં પધરાવી કેન્દ્ર સ્થાને રાખવામાં આવશે.

બીજે દિવસ તા.૧૬ના રોજ ત્યાંથી ચાલેલી આ પદયાત્રા બપોરે આણંદ પહોંચશે. સાંજે ૫:૩૦ કલાકે વડતાલધામ સમીપે પહોંચશે. તે સમયે આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ તેમજ વડતાલધામ સ્થિત અનેક સંતો-મહંતો ઉષ્માભેર શ્રીમદ્ હરિચરિત્રામૃતસાગર ગ્રંથના વધામણા કરશે. આરતી-પૂજન વગેરે થશે. પછી સહુ સાથે શ્રીમદ હરિચરિત્રામૃતસાગર પદયાત્રા શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામમાં વિરામ પામશે.

ભગવાન સ્વામિનારાયણે બાંધેલી પરંપરા મુજબ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામને આંગણે તા.૧૭ થી ૨૩ નવેમ્બર ૨૦૧૮ કારતક સુદ-૯ થી પૂર્ણિમાં સુધી સાત દિનાત્મક ભવ્ય કાર્તિકી સમૈયો ઉજવાશે. આ મહોત્સવમાં ભકતો જે જે ચિંતવે તેવું તેવું ફળ આપનાર ચિંતામણિ તૂલ્ય વૈરાગ્યમૂર્તિ સદ્. નિષ્કુળાનંદસ્વામી રચિત ભકતચિંતામણિ ગ્રંથની પારાયણ થશે. જેના વકતા પદે આ ગ્રંથના મર્મજ્ઞ અને સંપ્રદાયના શ્રીજ્ઞાનજીવનદાસજીસ્વામી વ્યાસાસને બિરાજી કથામૃતનું રસપાન કરાવશે.

આ મહોત્સવ અંતર્ગત તા.૧૯ નવેમ્બર રાત્રે ૯ કલાકે શ્રીસ્વામિનારાયણ કેલીફિલ્મ શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટાને ભવ્યતા પૂર્વક વિમોચિત કરવામાં આવશએ અને તા.૨૦ નવેમ્બર સવારે ૧૦:૦૦ કલાકે ટીઇટેનિયમમાં તૈયાર થયેલ શ્રીમદ્ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ સમર્પણ સમારોહ ધામધૂમથી ઉજવાશે. આ પ્રસંગનો સર્વ ધર્મપ્રેમીજનોને લાભ લેવા મહોત્સવ સમિતિએ અનુરોધ કરેલ છે. વધુ માહિતી માટે મો.૯૬૦૧૨ ૯૦૦૦૩ અથવા મો.૯૬૦૧૨ ૯૨૭૦૧ ઉપર સંપર્ક સાધી શકાય છે.

શ્રી હરિની જીવનલલીલા જીવંત, ૧૯મીએ 3D એનિમેશન વિમોચનઃ અત્યાધુનિક ઢબે સ્વામિનારાયણ ફિલ્મ નિર્માણ

રાજકોટ તા.૩: સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા નથી, એવા ભકતોને પણ આજે અમારા સાથે જ ભગવાન રમી-જમી રહ્યા છે, એવું દિવ્ય મનોચિત્રણ અખંડ બની રહે એવા હેતુથી આ સ્વામિનારાયણ ફિલ્મ શ્રીહરિ સ્વાભાવિક ચેષ્ટાનું 3D એનિમેશન બનાવવાની પ્રેરણા પ.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામને ભગવાને સંકેત આપ્યો. નિત્ય ગવાતી શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટાના વર્ણન મુજબ ભગવાનની મૂર્તિનું ચિત્રણ સહુ સહેજે કરી શકે એવા હેતુથી આ 3D એનિમેશનના લેટેસ્ટ વર્જન સાથે તેના કેટલાક અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કર્યો છે. ૧૫૦ જેટલા કોમ્પ્યુટર અને આધુનિક સાધનો દ્વારા ૧૫ વ્યકિતઓ ૩ વર્ષ અને ૪ મહિના સુધી આ કાર્ય ખૂબ ચીવટથી કરતા રહ્યા.

આ એનિમેશનને સર્વાગી બનાવવા શ્રી જ્ઞાનજીવનદાસજીસ્વામીએ પોતે ૧૫ જેટલા જાણકાર સંતોની ટીમ સાથે રાખીને જુદા જુદા એંગલથી આ કાર્ય જોઇને અનેકવાર માર્ગદર્શન આપ્યું  છે. આ એનિમેશનમાં શ્રીજીમહારાજે જ્યાં અનેક લીલાઓ કરી છે, એવા વડતાલ, ગઢપુર, અમદાવાદ, ભુજ વગેરે ૫૦ ઉપરાંત સાંપ્રદાયિક પ્રસાદીભૂત સ્થાનો તેમજ મહારાજના સુંદર લીલાચરિત્રોનો સમાવેશ કરવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. તેમજ શ્રીજી મહારાજની દૃષ્ટિએથી જોઇને બંને દેશના પ્રાયઃ પ્રસાદીભૂત સ્થળોમાં મહારાજે કરેલ શાકોત્સવ,રાસોત્સવ, રંગોત્સવ વગેરે જેવા અનેકવિધ ઉત્સવ-સમૈયાઓ તાદૃશ કરવામાં આવ્યા છે.આ એનિમેશનમાં ચેષ્ટાના વર્ણન મુજબ મહારાજના તિલચિહ્નથી માંડી ગોપાળાનંદ સ્વામી, મુકતાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તથા દાદાખાચર જેવા શ્રીજી સમકાલીન અનેક સંતો-ભકતો,તેમની લાક્ષણિકતા, પ્રાંત મુજબના પહેરવેશ વગેરે તાત્કાલીન જીવનશૈલી મુજબ દર્શાવાયા છે. વળી, વસ્તુ-પદાર્થ, મકાનો વગેરે જેવી જીણી જીણી બાબતોને પણ બસો વર્ષ પહેલાની પ્રણાલીકા મુજબ બતાવવામાં આવી છે.

એનિમેશનના માધ્યમે સહુ કોઇને સ્વામિનારાયણ ભગવાનની અનોખી અલૌકિક અદા, નિત્યવિધિ-માનુષીલીલા વગેરે લીલાઓ આબેહૂબ અંતરમાં ઉતરી જાય એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

વડતાલધામમાં યોજાનાર આગામી કાર્તિકી સમૈયામાં વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ, તેમજ સંપ્રદાયના મુર્ધન્ય વડિલ સંતોના હસ્તે આ સ્વામિનારાયણ ફિલ્મ-'શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા'3D એનિમેશન તા.૧૯-૧૧ સોમવારના રોજ ભવ્યતાથી વિમોચન કરવામાં આવશે. ત્યારબાદ તમામ ધાર્મિકજનોના સુખાર્થે વિનામૂલ્યે ઇન્ટર નેટમાં મૂકવામાં આવશે. વધુ માહિતી માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલી બાગ, વડોદરા ફોન નં.૦૨૬૫-૨૪૬૨૬૨૮ અથવા કુંડળધામ મંદિર અથવા મો.૯૬૦૧૨ ૯૦૯૨૦ ઉપર સંપર્ક સાધી શકાય છે.(૧૭.૫)

(11:27 am IST)