Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

કપડવંજમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 8 શકુનિઓની 10 હજારની રોકડ સાથે રંગે હાથે ધરપકડ

કપડવંજ: ટાઉન પોલીસની ટીમ નવરાત્રી પર્વને ધ્યાને લઈ ગતરોજ રાત્રીના સમયે શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. દરમિયાન શહેરમાં ગોપાલપુરા વિસ્તારમાં આવેલ રણછોડજી ભગવાનના મંદિર નજીક સ્ટ્રીટલાઈટના અજવાળે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યાં હોવાની માહિતી પોલીસને મળી હતી.

જેથી પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે પોલીસે સ્થળ પરથી તીનપત્તીનો જુગાર રમતાં રાજુભાઈ ઉર્ફે બોડા ઈશ્વરભાઈ રાઠોડ, શૈલેષભાઈ રમેશભાઈ ચૌહાણ, વિક્રમભાઈ ભવાનભાઈ સોઢા, સંજયભાઈ મણીલાલ મારવાડી, નરેશભાઈ પ્રભુભાઈ રાઠોડ, રમેશભાઈ ગગાજી વાઘેલા, દિનેશભાઈ ખેમાજી રાઠોડ અને સુરેશભાઈ ઉર્ફે જાડીયો નંગાજી વણઝારાને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખ્સોની અંગજડતીમાંથી રૂ.૯૧૭૦, દાવ પરથી રૂ.૧૧૭૦ તેમજ બે નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦૦૦ મળી કુલ રૂ.૧૧,૩૪૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કરી પકડાયેલા આઠેય જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:46 pm IST)