Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

બેંકોના મર્જરનો વિરોધ : આવતીકાલે કર્મચારીઓ ઠેરઠેર દેખાવો કરશે : રરમીએ હડતાલનું એલાન

મર્જરથી શાખાઓ બંધ થશે : લોકોની હાડમારી વધશે : ગુજરાત બેંક વર્કર્સ યુનિયન

રાજકોટ, તા. ૩ : સરકારના દસ બેંકોના ચાર બેંકોમાં એકીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓ તા. રર/૧૦ ના રોજ હડતાલ પાડવા જઇ રહ્યા છે. હડતાલની પૂર્વ તૈયારીરૂપે તા. ૪/૧૦ના રોજ બેંક કર્મચારીઓ ગુજરાતવ્યાપી દેખાવો યોજશે. બેંકોને જાહેરક્ષેત્રમાં લેવાની શરૂઆત ૧૯પપમાં જે સ્ટેટ બેંક અસ્તિત્વમાં આવી ત્યારથી થયેલ છે. ૧૯૬૯માં ૧૪ બેંકોને જાહેરક્ષેત્રમાં લેવામાં આવેલ અને ૧૯૮૦માં બીજી છ બેંકોને જાહેરક્ષેત્રમાં લેવાનો સરકારે નિર્ણય કરેલ. તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.ટી. અંતાણીની યાદી જણાવે છે.

૧૯૬૯માં જયારે બેંકો ખાનગી માલિકીના હાથમાં હતી ત્યારે બેંકોની ૮૦૦૦ શાખાઓ હતી જે આજે ૯૦૦૦૦ શાખાઓ છે. બેંકોની થાપણ પ૦૦૦ કરોડ રૂપિયા હતી જે આજે ૮પ૦૦૦ લાખ કરોડ છે. બેંકોનું ધીરાણ જે રૂ. ૩પ૦૦ કરોડ હતુંજે આજે રૂ. ૬૦ લાખ કરોડ રૂપિયા છે. બેંકોના ધીરાણના ૪૦% ધીરાણ ખેતીધીરાણ પ્રાયોરીટી સેકટર અને નોકરીની તકો ઉભી કરનાર ઉદ્યોગોમાં ગ્રામ્ય વિકાસ, શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં આપવામાં આવેલ છે. જાહેરક્ષેત્રની બેંકો દેશના ખુણે-ખુણે અને જનસામાન્ય સુધી પહોંચે એ ઉદેશથી જાહેરક્ષેત્રમાં લેવામાં આવેલ. બેંકોનું ધીરાણ જનસામાન્યની જરૂરીયાતને પહોંચી શકે તે ઉદ્ેશ હતો. જાહેરક્ષેત્રને વધારે સંગઠીત કરવાની જરૂરીયાત છે તેમ યાદી ઉમેરે છે.

યાદી જણાવે છે કે સ્ટેટ બેંકમાં બીજી ૬ બેંકો ભેળવવાથી સરકારના કથન મુજબ ૭૦૦૦ શાખાઓ બંધ થયેલ છે. બરોડા, દેના, વિજયા બેંકના એકીકરણથી લગભગ ૧૬૦૦ શાખાઓ બંધ થશે. માર્ચ ર૦ર૦ સુધીમાં જ પ૪૦ શાખાઓ બંધ થવાની છે. દસ બેંકોના એકીરણનો મતલબ છ બેંકો બંધ કરવાનો છે. ૧પ૪ વર્ષ જુની અલ્હાબાદ બેંક બંધ થશે. બીજી બેંકો પણ લગભગ ૭પ વર્ષથી વધારે જુની છે. એકીકરણથી નોકરીની તકો ઘટશે અને સામાન્ય પ્રજાને બેંકોની સેવાઓ ઉપલબ્ધ થતી બંધ થશે. ઉપરોકત કારણસર તા. રર/૧૦ના રોજ હડતાલ પાડવાનું નક્કી કરેલ છે. હડતાલની પૂર્વ તૈયારીરૂપે તા. ૪/૧૦ના રોજ સાંજે પ-૩૦ વાગે ગુજરાતના દરેક શહેરોમાં કર્મચારીઓ બિલ્લા ધારણ કરશે અને દેખાવો યોજશે. રાજકોટમાં બેંક ઓફ ઇન્ડીયા, પરાબજાર ખાતે સાંજે પ-૩૦ વાગ્યે દેખાવો યોજવામાં આવશે.

(3:55 pm IST)