Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જેલમુકત તો થયા પરંતુ ઘેર જવાના ટિકીટ ભાડાના પૈસા ન હતાઃ ડીવાયએસપી ડી.વી. રાણાએ એ કેદીને ઘેર જવાના પૈસા આપવા સાથે ગુન્હાખોરી છોડી દેવાનુ વચન મેળવ્યું: હૃદયસ્પર્શી કથા

જેલમુકત થવા છતા રાહુલ પરમારના ચહેરા પર આનંદના બદલે ઉદાસીના ભાવો નિહાળતા જ અનુભવી પોલીસ અધિકારીએ તૂર્ત જ સામેથી બોલાવી અને તેનુ કારણ પૂછયુ...

રાજકોટઃ ગાંધી જયંતિએ દેશમાં સૌથી વધુ અર્થાત ૧૫૮ કેદીઓને તેઓની ચાલચલત ધ્યાને લઈ ગુજરાતની વિવિધ જેલોમાંથી મુકત કરવામાં આવ્યા છે ત્યારે સાબરમતિ જેલના એક જેલ કેદીને જેલમુકત થયા બાદ તેના ચહેરા પર આનંદના બદલે ઉદાસીનતા છવાઈ હતી. આનુ કારણ એ હતુ કે, એ જેલ કેદી પાસે ઘેર જવાના પૈસા ન હતા. ભાડાના પૈસા કોની પાસે માંગવા ? તે સમસ્યા હતી.

દરમિયાન સાબરમતિ જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકેનો હવાલો ધરાવતા ડીવાયએસપી કક્ષાના ડી.વી. રાણા જેવા અનુભવીની આંખોએ એ કેદીના મનના ભાવ વાંચી લીધા અને કેદીને પાસે બોલાવી શું કોઈ મુશ્કેલી છે ? તેવો સવાલ કરતા તે આંખમાં આંસુ સાથે બોલ્યો કે 'સાહેબ મારી પાસે ઘેર જવા માટે ભાડાના પૈસા નથી'. રાહુલ પરમાર નામના આ કેદીની મુશ્કેલી જાણી ડી.વી. રાણાએ તેને નાણાકીય મદદ કરી, કેદીએ આભારની લાગણી વ્યકત કરતા ડી.વી. રાણાએ કહ્યુ કે ખરેખર જો તારે આભાર માનવો હોય તો મને એક વચન આપ કે હું આજથી ગુન્હાખોરી છોડી દઈશ. એ કેદીએ પણ વચન આપી દીધું. ડીવાયએસપી કક્ષાના ડી.વી. રાણા નિવૃત ડીવાયએસપી વી.વી. ગોહિલના જમાઈ છે.

(12:18 pm IST)