Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અમદાવાદ,સુરત અને ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ ;સુરતમાં વૃક્ષો ધરાશાયી: ભરૂચમાં કરા પડ્યા : રાજ્યમાં વાવાઝોડાનું એલર્ટ

સાપુતારા અને તળેટીમાં વરસાદથી વાતાવરણ ખુશનુમા: ખટોદરામાં ઝાડ પડવાથી પાર્ક કરાયેલા વાહનો દટાયા

 

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાએ વિદાય લીધી છે તેવામાં અમદાવાદના બાપુનગર, નિકોલ, નરોડા અને કાલુપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા.

 

અમદાવાદમાં છેલ્લા ચાર દિવસથી ભારે ગરમી બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. નિકોલ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. શહેરના પ્રેમ દરવાજા, શાહપુર, દરિયાપુરમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા.
 
અમદાવાદ સાથે ભરુચ, સુરત અને ડાંગમાં પણ વરસાદ નોંધાયો હતો. સુરતમાં ભારે પવન સાથે વરસાદથી શહેરમાં 25 જેટલા સ્થળોએ વૃક્ષો પડવાની ઘટના બની હતી. ખટોદરામાં ઝાડ પડવાના કારણે નીચે પાર્ક કરાયેલા વાહનો દટાઈ ગયા હતા કતાર ગામમાં પવન સાથે વરસાદમાં ઘરના છાપરા ઉડ્યા હતા
  ડાંગમાં સાપુતારા અને તળેટીમાં વરસાદ પડવાથી વાતાવરણ ખુશનુમા બન્યા હતા. ભરૂચમાં મોડ બપોર બાદ અચાનક કરા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદમાં નાહવાની મોજ માણવા માટે બાળકો રસ્તા પર આવી ગયા હતા.

   બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના માછીમારોને અરબ સાગરમાં માછલી પકડવા જવા માટેની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપેલી સૂચના મુજબ 5મી ઓક્ટોબરથી અરબ સાગરમાં હવાનું દબાણ વધવાની શક્યતા છે. જેના કારણે 8મીથી 10મી ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. દરિયામાં વધતા ડિપ્રેશનના કારણે કેટલાક સ્થળોએ વરસાદની પણ સંભાવના છે.

 

 

(11:52 pm IST)