Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જગદીશ અબોટી બ્રહ્મ સમાજ દ્વારા મહિલાઓનું સન્માન થયું

શ્રી જગદીશ અબોટી બ્રહ્મસમાજનો સમારંભઃ સમારંભમાં બાળકો, યુવાઓને પણ જુદી જુદી સ્પર્ધા દ્વારા પ્રોત્સાહિત કરાયા : એવોર્ડ પુરસ્કારથી સન્માનિત કરાયા

અમદાવાદ, તા.૩: શ્રી જગદીશ અબોટી બ્રહ્મસમાજ અમદાવાદ-ગાંધીનગરનો દસમો સ્નેહમિલન સમારંભ અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં સમાજની ૬૦ વર્ષથી ઉપરની વયની ૧૬ સિનિયર સીટીઝન મહિલાઓનું સમાજમાં તેમના યોગદાન અને રચનાત્મક પ્રવૃતિઓને લઇ અનોખું સન્માન કરાયું હતું. એટલું જ નહી, સમારંભમાં બાળકો અને યુવાઓને પણ વિવિધ સ્પર્ધા દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા અને તેઓને પણ એવોર્ડ-પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. મૂળ સૌરાષ્ટ્રના વતની પરંતુ વ્યવસાય અર્થે અમદાવાદમાં વસેલા શ્રી જગદીશ અબોટી બ્રહ્મસમાજના કુલ ચાલીસેક પરિવાર દ્વારા દરવર્ષે એકવાર સ્નેહમિલન સમારંભ યોજવામાં આવે છે. શ્રી જગદીશ અબોટી બ્રહ્મસમાજના દસમાં સ્નેહમિલનમાં આ વખતે કંઇક અનોખા પ્રયાસરૂપે ૬૦ વર્ષથી ઉપરની વય ધરાવતી સિનિયર સીટીઝન એવી ૧૬ વડીલ મહિલાઓને શ્રી રાધાઅવતાર નામનું પુસ્તક આપી સન્માનિત કરાઇ હતી. આ પ્રસંગે સમાજના ૩ યુવાનો અને ૭ બાળકોએ ગત વર્ષે જુદા-જુદા ક્ષેત્રોમાં કરેલા ઉત્કૃષ્ઠ પ્રદાનને સમાજ તરફથી શિલ્ડ આપી બિરદાવવામાં આવ્યા હતા. આ સ્નેહમિલનમાં વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ધોરણ ૧ થી ૧૨માં અભ્યાસમાં સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થયેલા સમાજના બાળકોને સમાજ તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્નેહમિલન સમારંભમાં બાળકો દ્વારા ઉત્કૃષ્ટ યોગાસનના દર્શાવવામાં આવ્યા હતા. સમારંભમાં ધોરણ-૧ થી ૫માં ભણતા બાળકોની ચિત્રસ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૧૦ બાળકોએ ભાગ લીધો હતો. જયારે ધોરણ-૬ થી ૧૨માં ભણતાં બાળકો માટે ગાંધીવિચારધારા ઉપર વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. ચિત્રસ્પર્ધામાં વિજેતા પ્રથમ ત્રણ બાળકોને સમાજ તરફથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા, તેમજ વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય બાળકોને પણ સમાજ તરફથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ સ્નેહમિલનમાં રાસ-ગરબા તેમજ સંગીત સંધ્યા યોજવામાં આવી હતી. શ્રી જગદીશ અબોટી બ્રહ્મસમાજ અમદાવાદના સ્નેહમિલનની ખાસિયત એ છે કે સતત દસવર્ષથી થતા સ્નેહમિલનનો કાર્યક્રમ કોઈપણ પ્રકારની નેતાગીરી વગર સમાજના ખંતીલા યુવાનો અને વડીલોના માર્ગદર્શનથી યોજવામાં આવે છે, તેના કારણે તે કંઇક અલગ અને પ્રોત્સાહક બની રહે છે.

(10:08 pm IST)