Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

બાકીના સ્ટ્રીટ વેન્ડરોના સર્વેની કવાયત ટૂંક સમયમાં શરૂ થશે

સર્વેમાં સ્ટ્રીટ વેન્ડરોની ઘટ સામે આવતાં હોબાળો : શહેરના બાકીના સ્ટ્રીટ વેન્ડરોની સર્વે કામગીરી હાથ ધરાશે

અમદાવાદ, તા.૩: કેન્દ્ર સરકારની સ્ટ્રીટ વેન્ડર પોલિસી-૨૦૧૪ની જાહેરાત અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૦૯માં શહેરના સ્ટ્રીટ વેન્ડરનો સેપ્ટ દ્વારા સર્વે હાથ ધરાયો હતો. તે વખતે શહેરમાં ૬૬,૦૦૦થી વધારે સ્ટ્રીટ વેન્ડર તંત્રના ચોપડે નોંધાયા હતા.જો કે, હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા શહેરના બાકી બચેલા સ્ટ્રીટ વેન્ડરોના સર્વેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ વખતે સરકાર દ્વારા અપાયેલા વર્ક ઓર્ડર અને ચોકસાઇ સાથે શહેરના બાકીના સ્ટ્રીટ વેન્ડરોનો સર્વે કરાશે. ત્યાર બાદ એક વર્ષ અગાઉ રાજ્ય સરકાર દ્વારા સર્વેનું કામકાજ હાથ ધરાયું હતું, પરંતુ આ બંને સર્વેની સરખામણી કરતાં શહેરમાં છેલ્લાં આઠ વર્ષમાં સ્ટ્રીટ વેન્ડર વધવાને બદલે ૨૪,૦૦૦ જેટલા ઘટતાં ભારે હોબાળો મચ્યો છે, જેના કારણે હવે મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા બાકી બચેલા સ્ટ્રીટ વેન્ડરનું સર્વે કરી તેમને સ્માર્ટકાર્ડ આપવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. રાજ્ય સરકાર દ્વારા શહેરમાં સ્ટ્રીટ વેન્ડરનો સર્વે કરવાની કામગીરી એક વર્ષ પહેલાં અર્થવ આયોજન અને સંશોધન કેન્દ્ર (અપાર્ક) નામની ખાનગી એજન્સીને સોંપાયું હતું. આ એજન્સીના સર્વે મુજબ શહેરમાં કુલ ૪૨,૧૩૮ સ્ટ્રીટ વેન્ડર છે, જોકે બીજી તરફ શહેરમાં છેલ્લા આઠ વર્ષમાં સ્ટ્રીટ વેન્ડર વધવાના બદલે ઘટેલા હોઈ નવા સર્વના આંકડાએ વિવાદ સર્જ્યો હતો. જેના કારણે તંત્ર દ્વારા 'અપાર્ક'ને જ શહેરના બાકી બચેલા સ્ટ્રીટ વેન્ડરના સર્વેની કામગીરી સોંપાઈ છે. આ ખાનગી એજન્સી દ્વારા રાજ્ય સરકાર દ્વારા અપાયેલા વર્કઓર્ડરની શરતો તેમજ પ્રતિ સ્માર્ટકાર્ડ રૂ. ૭૫ના ભાવથી બાકી બચેલા સ્ટ્રીટ વેન્ડરનો સર્વે હાથ ધરાશે. આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ અંગેની દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ છે. આ સર્વેથી વધુ ૨૦થી ૨૨,૦૦૦ સ્ટ્રીટ વેન્ડરની નોંધણી થાય તેવી શક્યતા છે.

(10:06 pm IST)